- 2023માં ભારતમાં એક હજારથી વધુએ અંગદાન કર્યું, ગુજરાત પાંચમા ક્રમે
- મેરેથોનની બીજી એડિશનમાં પાંચ હજાર કરતાં વધુ લોકો ઉષ્માભેર જોડાયા
- દેશમાં બે લાખથી વધુ વ્યક્તિઓ અંગદાનની પ્રતીક્ષા કરી રહ્યાં છે
રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે યોજાયેલી કેડી મેરેથોન-2024ની બીજી એડિશનમાં પાંચ હજારથી વધુ લોકો માત્ર દોડ માટે જ નહી પણ અંગદાનના ઉમદા ઉદ્દેશને પ્રોત્સાહિત કરવા ઉષ્માભેર સામેલ થયા હતા.
ડો. અદિત દેસાઈ, ડો. અનુજા દેસાઈ, ડો. પાર્થ દેસાઈ સહિત કે.ડી હૉસ્પિટલ મેનેજમેન્ટ ટીમના અન્ય અગ્રણીઓએ આ પ્રસંગે હાજર રહીને મેરેથોનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમ મારફ્તે ખેલભાવના દર્શાવવા ઉપરાંત કેડી મેરેથોન-2024નો ઉદ્દેશ અંગદાન માટે અનુરોધ કરીને આ મુદ્દે જાગૃતિ પ્રસરાવવાનો છે. દેશમાં બે લાખથી વધુ વ્યક્તિઓ અંગદાનની પ્રતીક્ષા કરી રહ્યાં છે. ત્યારે આ મેરેથોન અંગદાનની પ્રેરણા માટે એક મહત્ત્વનો મુદ્દો બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ભારતભરમાં પ્રથમવાર 1000થી વધુ વ્યકિતઓનું અંગદાન થયું. તેમાં ગુજરાત 146 અંગદાતા સાથે પાંચમા ક્રમે રહ્યું. જોકે હજુ પણ ભારત દેશમાં દસ લાખની વસ્તીએ 0.8 વ્યક્તિ જ અંગદાન કરે છે, જ્યારે કે બીજા દેશોમાં આ આંકડો 35 થી 40 વ્યક્તિનો છે.
કેડી મેરેથોન-2024નો ઉદ્દેશ લોકોને રજિસ્ટર્ડ ઓર્ગન ડોનર બનવાની પ્રેરણા આપીને અંગદાનની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટાડવાનો અને અનેક લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બનવાની પ્રેરણા આપવાનો છે.
આ પ્રસંગે કેડી હૉસ્પિટલે અંગદાનનો હકારાત્મક સંદેશ પ્રસરાવવામાં સહયોગ બદલ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)નો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેડી હૉસ્પિટલના મેનેજિંગ ડિરેકટર ડો.અદિત દેસાઈ તંદુરસ્તી જાળવવા અંગે મહત્ત્વપૂર્ણ સંદેશો આપતાં તેમના પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘આપણે તંદુરસ્ત હોઈએ તો અન્યના જીવન માટે મદદરૂપ થઈ શકીએ છીએ. કેડી મેરેથોને તમામ લોકોને આરોગ્ય માટે અગ્રતા આપવાની યાદ આપીને પોતાના જીવ ઉપરાંત અન્ય વ્યક્તિ માટે પણ અંગદાન થકી ઉપયોગી બનવાની યાદ અપાવે છે.’


