- સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ સામે ફરિયાદ
- વાંઝમાં જમીન પચાવી પાડનાર 10 સામે ફરિયાદ નોંધાઈ
- પોલીસે સંજય શિંદે અને લાલગેટના મહેરની ધરપકડ કરી
સુરતમાં બોગસ દસ્તાવેજથી એક વૃદ્ધ NRI ની જમીન પચાવી પાડવામાં આવી છે. સુરતના સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ સામે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં આવેલ વાંઝમાં ફરિયાદને આધારે જમીન પચાવી પાડનાર 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના સભ્યો સામે પોલીસ ફરિયાદ
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના વાંઝમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ NRI ની જમીન પચાવી પાડવા બાબતે 10 લોકો સામે ગુનો નોંધવમાં આવ્યો છે. સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ, મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સચિન પોલીસે નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરની જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડ કરી લીધી છે.
બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી મારી
સુરતના વાંઝમાં વૃદ્ધ NRIની જમીનમાં દલાલો અને સાગરીતો સાથે મળીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી મારી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ બાદ બે ટોળકીઓ ભેરવાઈ ગઈ છે. દલાલોની સાથે સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ, મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યોએ સાથે મળીને જમીનમાં બોગસ ડોક્યુમેન્ટો બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું.
લેન્ડ ગ્રેબિંગ એકટ
આ એક્ટ હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે.
લેન્ડ ગ્રેબિંગ એકટ…
- દસ્તાવેજો સાથે કલેક્ટરને કરવાની રહેશે અરજી
- કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિ
- સમિતિ ૧પ દિવસે બેઠક કરશે કરી ફરિયાદની સમીક્ષા કરશે
- ફરિયાદમાં સત્યતા કેટલી તેની સમિતિ ખરાઈ કરશે
- ફરિયાદ પર ર૧ દિવસમાં લેવાનો રહેશે નિર્ણય
- આ કાયદાના અમલ માટે સ્પેશિયલ કોર્ટની રચના
- દરેક સ્પેશિયલ કોર્ટમાં સરકારી વકીલની નિમણુંક
- છ મહિનામાં વિશેષ કોર્ટ કેસનો નિકાલ કરશે
- વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બંને પ્રકારની કોર્ટ કાર્યવાહીની સત્તા
- ફરિયાદમાં થયેલા આરોપો ખોટા છે પુરવાર કરવાની જવાબદારી આરોપી જવાબદારી આરોપી ભૂમાફિયાના શિરે
- દોષિત ઠરે તો ૧૦થી લઈ ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ
- ફરિયાદ દાખલ થયાના ૩૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની રહેશે
- ફરિયાદની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે
- સરકારી જમીન પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટર-સરકાર સૂઓમોટો લઈ શકશે
- સ્પેશિયલ કોર્ટ પણ લઈ શકશે સૂઓમોટો લઈ કમિટીને આપી શકશે તપાસના આદેશ


