- કલેક્ટર કચેરીમાં ચાલતી આ પ્રકારની સિદ્ધાંતવિહીન પ્રથા સામે લાલ આંખ
- શરતભંગ ગણી રાજકોટના ખેડૂતની જમીન શ્રી સરકાર કરવાનો કેસ
- રાજકોટના વેજાગામ ખાતે મૂળ અરજદાર ખેડૂતને સને 1974માં જમીન ફળવાઇ હતી
દુકાળ, અતિવૃષ્ટિ જેવા કુદરતી આપદાના સંજોગોમાં જો ખેડૂત દ્વારા અમુક વર્ષ ખેતી ના થઇ શકી હોય તો તેને શરતભંગ ગણી શકાય નહી એવી સ્પષ્ટ વાત આજે હાઇકોર્ટે ગુજરાત સરકારને માર્મિક ટકોર સાથે કરી હતી. કલેકટોરેટ લેવલે આ પ્રકારની સિદ્ધાંતવિહીન પદ્ધતિ કે પ્રથા અપનાવવા સામે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે લાલ આંખ કરી હતી અને આ પ્રકારની અનૈતિક પ્રથા નહી અપનાવવા તાકીદ કરી હતી. રાજકોટના એક ખેડૂતની જમીન શરત ભંગ ગણી ખોટી રીતે સરકાર હસ્તક લેવા અંગેના જિલ્લા કલેકટરના નિર્ણયને સિંગલ જજે રદબાતલ ઠરાવ્યો હતો, તેની સામે સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પટેન્ટ અપીલ હાઇકોર્ટની ખંડપીઠે પણ આકરા વલણ સાથે ફ્ગાવી દીધી અને નવી શરતની ખેતીલાયક જમીનના ખેડૂતોને રાહત આપતો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, દુકાળ, અતિવૃષ્ટિ જેવા કારણોથી ખેતીની ઉપજ ના થઇ શકી હોય તો તે બાબત માનવા યોગ્ય અને સ્વાભાવિક છે. આવા કુદરતી કારણોસર કે આપદાના સંજોગોમાં (એકટ ઓફ્ ગોડ) ખેડૂત જો અમુક વર્ષ સુધી ખેતી ના કરી શકયો હોય તો તેને શરત ભંગ ગણી શકાય નહી. થોડા વર્ષોના અંતરાલ બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર ખેડૂત સામે આ પ્રકારની કાર્યવાહી અયોગ્ય અને ગેરવાજબી કહી શકાય.
રાજયમાં નવી શરતની ખેતીલાયક જમીનના ખેડૂતોને રાહતકર્તા એવા આ કેસની વિગત એવી છે કે, રાજકોટના વેજાગામ ખાતે મૂળ અરજદાર ખેડૂતને સને 1974માં જમીન ફળવાઇ હતી. વર્ષો સુધી ખેડૂત દ્વારા નિયમિત રીતે પોતાને ફળવાયેલી જમીનમાં ખેતી કરાઈ હતી. જો કે, 1995થી 2001 દરમિયાન ખેતીની ઉપજ થઇ શકી ન હતી. મૂળ ખેડૂતના નિધન બાદ તેના વારસોએ 2011માં જયારે કલેકટોરેટમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે અરજી કરી ત્યારે મૂળ ખેડૂત દ્વારા અગાઉ છ વર્ષ ખેતી થઇ નહી હોવાની અને ખેતીની ઉપજની નોંધ રેકર્ડમાં કરાઇ નહી હોવાની હકીકત ધ્યાને આવી હતી. જો કે, વારસો તરફ્થી કલેકટર સત્તાવાળાઓનું ધ્યાન દોરાયું હતું કે, 1995-96 અને 97માં દુકાળની પરિસ્થિતિ હતી, તેના લીધે તેઓ પાક લઇ શકયા ન હતા, એ પછીના અતિવૃષ્ટિના કારણે તેમના પાક ધોવાઇ ગયા હતા.


