- પરિજનોએ લાકડીથી તોડફોડ કરી કેરોસીન છાંટી હોસ્પિટલ સળગાવી
- ડોક્ટરની બેદરકારીનો પરિવારનો આક્ષેપ
- રસ્તામાં જ બાળકનું મોત થયાનો હોસ્પિટલનો દાવો
સીટીએમ પાસે આવેલ રજની હોસ્પિટલમાં મહિલાનું પ્રસૂતિ દરમ્યાન મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં આવીને લાકડીઓથી તોડફેડ કરીને કેરોસીન છાંટીને હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલમાં હાજર દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા રામોલ પોલીસ કાફ્લાએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ડોકટરની બેદરકારીને કારણે મહિલા અને તેના બાળકનું મોત નિપજ્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જ્યારે હોસ્પિટલે મહિલાને હોસ્પિટલ લાવતી વખતે રસ્તામાં જ બાળકનું મોત નિપજ્યું હોવાનો દાવો કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
રામોલમાં 31 વર્ષીય સુહાનાબાનુ સૈયદ પરિવાર સાથે રહે છે. મહિલા ગર્ભવતી થતા તેની સારવાર સીટીએમ પાસે આવેલ રજની સ્ત્રી રોગની હોસ્પિટલમાં ચાલતી હતી. રવિવારે રાત્રે મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે રસ્તામાં જ બાળકનું મોત નિપજ્યું હતુ. જે બાદ મહિલાની પ્રસૂતિ ચાલતી હતી ત્યારે મહિલાનું પણ મોત નિપજ્યું હતુ.
આ બનાવ બાદ ઉશ્કેરાયેલા પરિવારજનોએ સોમવારે સાંજે હોસ્પિટલમાં લાકડીઓ સાથે આવીને તોડફેડ કરી, કેરોસીન છાંટી હોસ્પિટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રિસેપ્સન કાઉન્ટર થોડું સળગી ગયું હતુ. આ અંગે જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોકટરની બેદરકારીને કારણે મહિલા અને તેના બાળકનું મોત નિપજ્યું છે.


