- અકુદરતી રીતે 21 સિંહ અને 8 સિંહ બાળનાં મોત
- દુર્ઘટના રોકવા સતત પેટ્રોલિંગ, ઝડપી સારવાર જેવા પગલાં ભરાયા
- વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં આ માહિતી આપી છે
ગુજરાતમાં ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં 239 સિંહો અને 404 દીપડાના મોત થયા છે, 239 સિંહોના મોત થયા છે તે પૈકી 113 સિંહ અને 126 સિંહ બાળ સામેલ છે, એ જ રીતે 404 દીપડાનાં મોત થયા છે તેમાં 294 દીપડા અને 110 દીપડાના બચ્ચાનો સમાવેશ થાય છે. કુદરતી રીતે બે વર્ષમાં 92 સિંહ અને 118 સિંહબાળના મોત થયા હતા જ્યારે આકસ્મિક રીતે કે અકુદરતી રીતે બે વર્ષમાં 21 સિંહ અને 8 સિંહ બાળના મૃત્યુ થયા છે. એ જ રીતે કુદરતી રીતે 193 દીપડા, 79 દીપડાના બચ્ચા જ્યારે અકુદરતી રીતે 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાનાં મોત થયા છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં આ માહિતી આપી છે.
ગુજરાતમાં સિંહ, દીપડાના અકુદરતી રીતે મોત થઈ રહ્યા છે, જેને રોકવા માટે શું પગલાં લેવાયા તે સંદર્ભે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બીમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, વન વિભાગ દ્વારા સિંહોના અવર જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરાઈ છે, વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યૂ ટીમની રચના કરવામાં આવી છે, અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, જુદા જુદા સ્થળોએ વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે, વન્ય પ્રાણીની હત્યાના કેસમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનેગારોની સામે કોર્ટ કેસ કરવામાં આવતાં હોય છે, સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગની કામગીરી થતી હોય છે. ગીર બોર્ડર તેમજ આસપાસના રેવન્યુ વિસ્તારમાં અસુરક્ષિત ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવાની કામગીરી વન વિભાગ દ્વારા કરાઈ છે. સક્કર બાગ અને બરડામાં સાત વિરડા ખાતે કોરેન્ટાઈન ઝોન બનાવવામાં આવ્યો છે. સિંહોને રેડિયો કોલરીંગ કરવામાં આવ્યા છે. સાસણમા હાઈટેક મોનિટરિંગ યુનિટ ઊભું કરાયું છે. રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેઈનલિંક કરવામાં આવી છે. ટ્રેકર્સની નિમણૂક ઉપરાંત સ્ટાફની જરૂરી તાલીમથી સજ્જ કરાયા હોવાનો પણ સરકારે દાવો કર્યો છે.


