- અંડર-19 વર્લ્ડકપ 2024 સાઉથ આફ્રિકામાં રમાઈ રહ્યો છે
- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે
- સાઉથ આફ્રિકાના વિલોમૂર પાર્ક સ્ટેડિયમમાં રમાશે મેચ
અંડર-19 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમે સુપર સિક્સ મેચમાં નેપાળને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં યજમાન સાઉથ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધી તેની તમામ મેચો જીતી છે. ટીમ ઈન્ડિયા તમામ મેચ જીતીને પોતાના ગ્રુપમાં નંબર વન પર રહી હતી. હવે ભારતીય ટીમ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા ઇચ્છશે.
અહીં જોઈ શકાશે ફ્રિ મેચ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ફેબ્રુઆરી, મંગળવારના રોજ વિલોમૂર પાર્ક ખાતે સેમિફાઇનલ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મેચ લાઈવ માણી શકો છો. આ સિવાય મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થશે. જ્યાં તમે ફ્રીમાં મેચની મજા માણી શકો છો.
અંડર-19 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની આ સફર
અંડર-19 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સાથે રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 84 રને જીતી લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાનો મુકાબલો આયર્લેન્ડ સાથે થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 201 રને જીત મેળવી હતી. આ પછી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો અમેરિકા સામે થયો હતો. આ મેચમાં ભારતે અમેરિકાને 201 રને હરાવ્યું હતું. ચોથી મેચમાં ભારતીય ટીમનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 214 રને હરાવ્યું હતું. આ પછી સુપર સિક્સની છેલ્લી મેચમાં ભારતનો સામનો નેપાળ સામે થયો હતો. ભારતે આ મેચ 132 રને જીતી લીધી હતી.
મુશીર ખાન પર રહેશે નજર
અંડર-19 વર્લ્ડકપ 2024ની સેમિફાઇનલ મેચમાં તમામની નજર ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન મુશીર ખાન પર ટકેલી છે. મુશીર ખાને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપ 2024ની 5 મેચમાં અત્યાર સુધીમાં 334 રન બનાવ્યા છે. મુશીર ખાન આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ઉદય સહારન પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
ઉદયે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 304 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 2 ફિફટી ફટકારી છે. જ્યારે બોલિંગમાં ટીમ ઈન્ડિયાના સૌમ્યા પાંડેએ સૌથી વધુ વિકેટ ઝડપી છે. સૌમ્યાએ અત્યાર સુધી 5 મેચમાં 16 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલ મેચમાં આ ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવાની છે


