- 2025ના અંત ભાગમાં ડ્રો જાહેર થશે, 16 સિટીમાં 48 ટીમો વચ્ચે 103 મેચો રમાશે
- એટલાન્ટા અને ડલાસ સેમિફાઇનલની યજમાની કરશે
- થર્ડ પ્લેસનો મુકાબલો માયામીમાં રમાશે
વિશ્વની ફૂટબોલ સંચાલક સંસ્થા ફિફાએ 2026માં રમાનારા વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી છે. 2026ની ફૂટબોલ મેગા ઇવેન્ટની ફાઇનલ ન્યૂ જર્સીના મેટ લાઇફ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટ 11મી જૂને મેક્સિકો સિટીના એજટેકા સ્ટેડિયમમાં રમાનારી ઓપનિંગ મેચ દ્વારા શરૂ થશે. ન્યૂયોર્કને ફાઇનલ મુકાબલાની યજમાની માટે ડલાસ તરફથી મજબૂત પડકાર મળ્યો હતો. 2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં રમાશે અને 16 સ્ટેડિયમમાં 48 ટીમો કુલ 104 મેચ રમશે. રાઉન્ડ ઓફ 16ની મુકાબલા ચોથી જુલાઈથી ફિલાડેલ્ફિયામાં શરૂ થશે અને એટલાન્ટા તથા ડલાસ સેમિફાઇનલની યજમાની કરશે. ત્રીજા સ્થાન માટેનો મુકાબલો માયામીમાં રમાશે.
ચાર-ચાર ટીમના 12 ગ્રૂપ
ટૂર્નામેન્ટમાં ચાર ટીમોના 12 ગ્રૂપ રહેશે. પ્રત્યેક ગ્રૂપની ટોચની બે ટીમો તથા ત્રીજા સ્થાને રહેનાર આઠ સર્વશ્રોષ્ઠ ટીમ આગળ વધશે. ત્યારબાદ ટૂર્નામેન્ટ સીધી નોકઆઉટમાં પ્રવેશ કરશે. ફિફાએ જણાવ્યું હતું કે મેચોના કાર્યક્રમની જાહેરાત ક્વોલિફિકેશન પ્રક્રિયા પૂરી થયા બાદ કરવામાં આવશે. ટૂર્નામેન્ટના ડ્રો 2025ના અંત ભાગમાં કરવામા આવે તેવી સંભાવના છે.
યજમાની કરનાર 16 શહેર
એટલાન્ટા, બોસ્ટન, ડલાસ, ગ્વાડલાજારા, હ્યુસ્ટન, કેન્સાસ સિટી, લોસ એન્જલસ, મેક્સિકો સિટી, માયામી, મોન્ટેરરી, ન્યૂયોર્ક-ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, ટોરન્ટો, વાનકુંવર.
મેટલાઇફ સ્ટેડિયમની કેપેસિટી 82 હજાર પ્લસ સમર્થકોની છે
ન્યૂ જર્સીના ઇસ્ટ રુધરફોર્ડમાં ન્યૂયોર્કથી હડસન નદી પાસે તૈયાર થયેલા મેટલાઇફ સ્ટેડિયમની કેપેસિટી 82 હજાર 500 સમર્થકોની છે. આ એનએફએલની ન્યૂયોર્ક જાયન્ટ્સ તથા ન્યૂયોર્ક જેટ્સનું હોમગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં 2016ની કોપા અમેરિકા ટૂર્નામેન્ટની ફાઇનલ સહિત ઘણી ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચો રમાઈ ચૂકી છે. ન્યૂયોર્કમાં સમર્થકો માટે આસાન વાહનવ્યવસ્થાની સાથે રહેવાની તમામ સગવડો છે. 2026ના વર્લ્ડ કપમાં અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાઠની પણ ઉજવણી કરવામાં આવશે. 2010માં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


