- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
- ઈંગ્લેન્ડને જીતવા માટે 332 રનની જરૂર
- ઈંગ્લેન્ડ બેટ્સમેન જો રૂટ ઈજાગ્રસ્ત
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેનો પીછો કરવો ઇંગ્લેન્ડ માટે આટલો આસાન નથી. વિશાખાપટ્ટનમ ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે ટીમનો સ્ટાર ખેલાડી જો રૂટ ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર થઈ ગયો હતો. વાસ્તવમાં મેચ દરમિયાન રૂટની આંગળીમાં ઈજા થઈ હતી. જે બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું.
જો રૂટની ઈજા અંગે અપડેટ
ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે 399 રનનો મોટો લક્ષ્યાંક છે. જે મુલાકાતી ટીમ માટે રૂટ વિના હાંસલ કરવું સરળ નથી. જો રૂટને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કરોડરજ્જુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેના ઈજા અને મેદાન છોડવાથી ઈંગ્લિશ ટીમનું ટેન્શન થોડું વધી ગયું હતું. હવે રૂટની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.
ઈંગ્લેન્ડની ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ કહ્યું કે ઈજા બાદ તેની આંગળી બહુ સારી નથી. જો કે અમને આશા છે કે તે આવતીકાલે ચોક્કસપણે બેટિંગ કરવા મેદાન પર આવશે. જો રૂટ ચોથા દિવસે બેટિંગ કરશે તો તે ટીમ માટે પણ સારું રહેશે.
ઈંગ્લેન્ડની ટીમ 332 રન પાછળ
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે બીજા દાવમાં એક વિકેટના નુકસાને 67 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડને પહેલી વિકેટ બૅન ડકેટના રૂપમાં પડી હતી. બેન ડકેટ 28 રનના સ્કોર પર આર અશ્વિને તેનો શિકાર બન્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ ટાર્ગેટથી 332 રન પાછળ છે. ઈંગ્લેન્ડ પાસે હજુ 2 દિવસ બાકી છે. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 9 વિકેટ મેળવવાની રહેશે.


