- રામનાથ ઘેલા મહાદેવને જીવતા કરચલા ચઢાવાની અનોખી માન્યતા
- દર વર્ષે પોષ એકાદશીએ મેળાનું આયોજન થાય છે
- પોષ એકાદશી પર જીવતા કરચલાથી મહાદેવનો અભિષેક થાય છે
આજે પોષી એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે સુરતમાં ઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશી(આજે)એ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવતો હોય છે. વિશ્વનું એકમાત્ર શિવજીનું મંદિર છે જેમાં જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવવામા માટે પહોંચ્યા હતા.
શું છે લોકવાયકા
આ મંદિર અંગે જીવતાં કરચલાંનો અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા. એ બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભગવાન રામે તર્પણવિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રનાં મોજાંને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલાં આવી ગયા હતા.
જે પછી ભગવાન રામને સમુદ્ર દેવે કરચલાં જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાંને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશથી એક સૂચન કર્યું. આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલાં ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.

મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા
મંદિરમાં આજના દિવસે એ લોકો દર્શન કરવા આવતા હોય છે જેઓ શારીરિક રૂપથી કોઈ ને કોઈ બીમારીથી પીડિત હોય છે. જોકે આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા વધુ હોય છે. આજના દિવસે શિવલિંગ પર કરચલાં ચઢાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઇ હોય. કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય એની મનતા માગવા આવતા હોય છે.


