- અમદાવાદની ઘટના સંદર્ભે ડોક્ટરો નારાજ, સરકાર સમક્ષ રજૂઆત
- નવજાત શિશુ-માતાના મોતની ઘટના બાદ તોડફોડ થઈ હતી
- ગુજરાતમાં 55 ટકા ડોક્ટર શાબ્દિક હિંસાચારનો શિકાર
અમદાવાદની રજની હોસ્પિટલમાં નવજાત બાળકના મોત બાદ ઈન્ટરનલ બ્લીડિંગ વધી જતા મહિલાનું પણ મોત થયું હતું. મહિલાના મોત પાછળ હોસ્પિટલની બેદરકારી હોવાના ગંભીર આક્ષેપ સાથે મૃતકના સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને હોસ્પિટલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી. આ ઘટના સામે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચે વિરોધ નોંધાવ્યો છે અને રાજ્યના ગૃહ મંત્રી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ પગલાં ભરવા માગણી કરી છે. સાથે જ માગણી કરાઈ છે કે, હોસ્પિટલો-ડોક્ટરો પર થતાં હિંસક હુમલા બંધ થાય તે માટે કેરાલાની જેમ ગુજરાતમાં પણ કડક સજાની જોગવાઈ કરતો કાયદો લાવવો જોઈએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચે હોસ્પિટલો અને ડોક્ટરો પર થતાં હિંસક હુમલાનો અંત લાવવા માગણી કરી છે, અમદાવાદમાં તાજેતરમાં જ એક ઘટના બની હતી, જેમાં રોષે ભરાયેલા ટોળાએ હથિયારો સાથે હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી અને હોસ્પિટલમાં આગ લગાડવા સુધીની ધમકી આપી હતી.
ગુજરાતમાં 55 ટકા ડોક્ટર શાબ્દિક હિંસાચારનો શિકાર
ગુજરાતમાં થયેલા એક સરવે મુજબ રાજ્યના 55 ટકા ડોક્ટર દર્દી કે તેના સગા-સંબંધીના મૌખિક વાયોલન્સનો શિકાર બને છે. જ્યારે પ ટકા ડોક્ટરો પર હુમલા થાય છે. આમ, દર્દી કે સગા-સંબંધીના દુર્રવ્યવહારનો ભોગ બનેલા 95 ટકા ડોક્ટર માને છે કે, આ પરિસ્થિતિ માટે સિક્યૂરિટી અને કાયદા-કાનૂનનો અભાવ જવાબદાર છે. આ ઉપરાંત દર્દી કે સગા-સંબંધીઓની ડોક્ટરોની તરફની વધુ પડતી અપેક્ષા તેમજ આરોગ્ય સંબંધી અપૂરતી માહિતી તથા જાગૃતિનો અભાવ પણ કારણભૂત છે.


