- પ્રથમવાર વખત 1.40 લાખની મત્તા ચોરી હતી
- આ વખતે ફિનાઇલ રેડી મરચુ, હળદર, ધાણાજીરુ ઢોળી નાખ્યુ
- ભગીરથ સોસાયટીમાં એક જ મકાનને પખવાડિયામાં બે વખત ટાર્ગેટ કરાયું
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટીમાં એક મકાનમાં ત્રાટકેલા તસ્કરોને ફોગટ ફેરો થતા તેઓએ ગુસ્સામાં આવીને ઘરમાં રહેલા અનાજમાં ફિનાઇલ નાખી અન્ય મસાલા ઢોળી નાખ્યા હતા. આ મકાનમાં છેલ્લા એક પખવાડિયામાં આ બીજી વખત તસ્કરો ત્રાટક્યા હતા. જેના કારણે સોસાયટીના રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલોલના પંચવટી વિસ્તારની ભગીરથ સોસાયટીમાં તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો હતો. ભગીરથ સોસાયટીમાં રહેતા સંગીતાબેન નીરવભાઈ પટેલ શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જ્યારે તેમના પતિ પણ ખાનગી નોકરી કરતા હોય દિવસે તેમનું મકાન બંધ હોય છે. પખવાડિયા પુર્વે તસ્કરોએ આ બંધ મકાનનો લાભ ઉઠાવતા દિન દહાડે તાળા તોડયા હતા. અને ઘરમાંથી 1,42,500 ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં તસ્કરોએ આજરોજ વધુ એક વખત ઉપરોક્ત મકાનમાં ત્રાટક્યા હતા. તેઓ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરનો તમામ સરસામાન ફેંદી નાખ્યો હતો. જોકે, આ વખતે કોઇ કિંમતી ચીજવસ્તુ હાથ નહી આવતા રોષે ભરાયેલા તસ્કરોએ ઘરમાં વ્યાપક નુકસાન કર્યું હતું. તેઓએ ઘરમાં ભરેલ અનાજ ઉપર ફીનાઈલ રેડી દીધું હતું. જેના કારણે અનાજ બગડયું હતું. તેમજ મરચું ઘાણાજીરૂ હળદર વગેરે ઢોળી દીધા હતા. ઘરમાં તોડફોડ કરીને વ્યાપક નુકસાન કર્યું હતુ. જે મામલે સંગીતાબેને કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


