ફુલછાબ ચોકમાં હિન્દુ-મુસ્લિમ સમાજે સાથે મળી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
મર્હુમ ગનીબાપુ કટારીયાની કોમી એકતાની પરંપરા જાળવી રાખતા પરિવારજનો; સતારભાઈના હસ્તે કરાયું ગરિમાપૂર્ણ ધ્વજવંદન
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના ફુલછાબ ચોક ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર મર્હુમ ગનીબાપુ કાળાભાઈ કટારીયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ ધ્વજવંદનની પરંપરાને તેમના પુત્રો અને સમગ્ર પરિવારે આ વર્ષે પણ અવિરતપણે જાળવી રાખી હતી.
આ વર્ષનું ધ્વજવંદન સતારભાઈ (એસ.કે. વેલ્ડીંગવાળા)ના હસ્તે સંપન્ન થયું હતું. તેમણે દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરી હતી. ધ્વજવંદન બાદ સદર વિસ્તારમાં ઉત્સાહભેર ‘તિરંગા યાત્રા’ યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ શાંતિ અને કોમી એખલાસનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મૌલાના અજરૂદીનબાપુ કાદરી, હાજી રમજુભાઈ ચાનીયા (રીટાયર્ડ PSI), હબીબભાઈ કટારીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, શરદભાઈ ઓઝા તેમજ અનેક હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ, માતૃશક્તિ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. શાંતિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ સાથે યોજાયેલો આ કાર્યક્રમ રાજકોટ શહેરના કોમી સૌહાર્દ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો હતો.


