- ચક્કાજામ કરી રહેલા યુવાનોને અટકાવવામાં પોલીસને પરસેવો પડયો
- વિરોધ પ્રદર્શિત કરી રહેલા 10થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી
- શહેરના ટીબી ત્રણ રસ્તા પર ચક્કાજામ કરતા દોઢ કિમી લાંબી વાહનોની લાઈનો લાગી
રાજકોટ પીજીવીસીએલના 8 ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા અને મેરીટ લીસ્ટનો ટાઈમ વધારવાની માંગને લઈ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ પીજીવીસીએલ ડિવિઝન ખાતે 400થી વધુ યુવાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જે વિરોધ પ્રદર્શનને સમર્થન આપી પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા માર્ગને અડધો કલાકથી વધુ સમય સુધી બાનમાં લઈ ચક્કાજામ સાથે ઉર્જા મંત્રીના પૂતળાનું દહન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા અને આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી વિરોધ કરતા એનએસયુઆઈના 10થી વધુ યુવાનોની અટકાયત કરી હતી.મંગળવારે પાટણ જિલ્લા એનએસયુઆઈના કાર્યકરોએ રાજકોટ પીજીવીસીએલના 8 યુનિટોમાં ખાલી પડેલ 361 જગ્યાની ભરતી અને મેરીટ અવધીમાં વધારો કરવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં શહરેના ટીબી ત્રણ રસ્તા પર અડધો કલાકથી વધુ સમય સુધી રસ્તા વચ્ચે બેસી જઈને ચક્કાજામ કરીને હાઈવે હાઈજેક કરી ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઊર્જામંત્રીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા ટીબી ત્રણ રસ્તા માર્ગ પર દોઢ કિમી લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. તો આ બાબતની જાણ પાટણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી વિરોધ પ્રદર્શન કરતા એનએસયુઆઈના 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જોકે કાર્યકરોની અટકાયત કરવામાં હાજર પોલીસ કર્મચારીઓને પરસેવો પડી ગયો હતો. વિરોધ પ્રદર્શિત કરી રહેલા પાટણ એનએસયુઆઈના રોહિત દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ પીજીવીસીએલના આઠ ડિવિઝનમાં 361 જેટલી જગ્યાઓ ખાલી છે તેની ભરતી કરવામાં આવે અને મેરીટ લીસ્ટ માટે સમયની અવધી વધારવાની માંગ સાથે રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી ન કરવાના મુદ્દે છેલ્લા 5 દિવસથી વિરોધ પ્રદર્શિત કરી રહેલા 400થી વધુ યુવાનોને ન્યાય અપાવવા પાટણ એનએસયુઆઈ દ્વારા સમર્થનમાં આ ચક્કાજામ અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


