- ઓસ્ટ્રેલિયાના હોમગ્રાઉન્ડમાં 80 રનથી જીતીને સાઉથ આફ્રિકાએ ઇતિહાસ રચ્યો
- વિમેન્સ ક્રિકેટમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે પ્રથમ વખત વન-ડેમાં હરાવ્યું
- પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો
સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમે બીજી વન-ડેમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 80 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. વિમેન્સ ક્રિકેટમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે પ્રથમ વખત વન-ડેમાં હરાવ્યું છે. વરસાદના કારણે મેચ 45-45 ઓવર્સની કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને છ વિકેટે 229 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ 29.3 ઓવરમાં 149 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. પૂરી મેચમાં 19 ખેલાડીઓએ બેટિંગ કરી હતી પરંતુ માત્ર એક જ અડધી સદી નોંધાઈ હતી. સાઉથ આફ્રિકાની મારિજાના કેપે 75 રનની ઇનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચ 10મી ફેબ્રુઆરીએ રમાશે.
સાઉથ આફ્રિકાની ઇનિંગમાં મારિજાના ઉપરાંત એનેક બોશે 44, ક્લો ટ્રાયોને અણનમ 37 તથા તાજમિન બ્રિટે 21 રન બનાવ્યા હતા. સુકાની લારા વૂલવાર્ટ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી. મેગન શટ્સ અને ગાર્ડનરે બે-બે વિકેટ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં સાત બેટ્સવુમન બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શકી નહોતી. કિમ ગાર્થે સર્વાધિક અણનમ 42 રન બનાવ્યા હતા. ગાર્ડનરે 35 તથા તાહલિયા મેકગ્રાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. મારિજાનાએ 12 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


