- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં અંગત કારણોસર થયો હતો બહાર
- કોહલી અંગે રોહિત શર્માએ ચીફ સિલેક્ટર અને કોચ સાથે વાત કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ રમાઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મહેમાન ઈંગ્લેન્ડે જીતી હતી અને બીજી ટેસ્ટ યજમાન ભારતે જીતી હતી. હવે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. જો કે આ પહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પણ નહીં રમે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ત્રીજી ટેસ્ટમાં કોહલી રમશે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાછળનું કારણ વિરાટ કોહલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ વિશે કંઈ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં પસંદગીકારો ટીમની જાહેરાત કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે વિરાટને આ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક કોહલીએ અંગત કારણોસર બ્રેક લીધો હતો.
રોહિત શર્માએ ચીફ સિલેક્ટર સાથે વાત કરી
આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં રોહિત ચીફ સિલેક્ટર સાથે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા વિશે વાત કરી રહ્યો છે. ત્રણેય સ્ટાર ખેલાડીઓ ટીમની બહાર છે.
કોહલીને લઈને કોઈ અપડેટ નથી
નોંધનીય છે કે વિરાટ કોહલીને લઈને કોઈની પાસે કોઈ અપડેટ નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે બાકીની ત્રણ ટેસ્ટ રમશે કે નહીં. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં કોચ રાહુલ દ્રવિડને વિરાટ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે માત્ર પસંદગીકારો જ તેનો જવાબ આપી શકશે. જોકે કોહલી ક્યારે પરત ફરશે તેનો જવાબ કોઈ પાસે નથી.


