- અવારનવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં ગામલોકોમાં રોષ
- વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
- ગામડાઓના માર્ગોની હાલત બિસ્માર બની જાય છે
દાંતીવાડા તાલુકાના મોટી મહુડીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે.માર્ગ પર ઠેર ઠેર કપચી પણ ઉખડી ગઈ છે.જેને કારણે માર્ગ ઉબડખાબડ બની ગયો છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી મહુડી નરભેનાથ મહાદેવ મંદિરને જોડતા માર્ગની હાલત ઉબડખાબડ બની ગઈ છે. જેને કારણે દર્શને આવતા શ્રાદ્ધાળુઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.મોટી મહુડી સહિત આજુ બાજુના ત્રણ ચાર ગામના ઘણા વિદ્યાર્થીઓ ભણવા માટે નજીકના પાંથાવાડામાં જાય છે. ત્યારે સામાન્ય રીતે તેઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. જેને કારણે આ માર્ગ પરથી દરરોજ તેમની અવરજવર રહેતી હોય છે. ત્યારે માર્ગ પરથી પસાર થતી વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષાઓ પણ અકસ્માતના ભયે અવરજવર કરતી હોય છે. આ રોડ પરથી કપચી પણ ઉખડી ગઈ છે. જેથી માર્ગ પર ઠેકઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી આજે આ માર્ગની હાલત બિસ્માર બની જવા પામી છે. જેને કારણે દૂધ ભરાવા જતા પશુપાલકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ખખડધજ હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં ઘણો સમય લાગી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ માર્ગની હાલત બિસ્માર બની જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્ર દ્વારા અવારનવાર શહેરના માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ગામડાઓના માર્ગો પર ધ્યાન આપવામાં આવતું નથી. જેને ગામડાઓના માર્ગોની હાલત બિસ્માર બની જાય છે. ત્યારે સત્વરે મોટી મહુડી ગામના માર્ગનું સમારકામ કે નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઊભી થવા પામી છે.


