- પેનસિલ્વેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાની તૈયારી
- ભાવિની પટેલે 3.10 લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કરી લીધું છે
- આ ભંડોળની લગભગ 70 ટકા રકમ તેમણે રાજ્યમાંથી જ એકઠી કરી છે
પિટ્સબર્ગમાં પોતાની સિંગલ પેરેન્ટ માતાને ફૂડ ટ્રક ઇન્ડિયા ઓન વ્હીલ્સ ચલાવવામાં મદદ કરવાથી માંડીને ઓક્સફર્ડમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાનું ટેક સ્ટાર્ટઅપ શરૂ કરનાર ભારતીય અમેરિકન ભાવિની પટેલ હવે અમેરિકન સંસદની પ્રતિનિધિ સભામાં ચૂંટાઇ આવવા માટે ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. 30 વર્ષીય ભાવિનીએ ગત બે ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે તેઓ પેનસિલ્વેનિયાના 12માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી પ્રતિનિધિ સભા માટેની ચૂંટણીમાં ઝંપલાવશે. હાલ આ બેઠક પર ડેમોક્રેટિક પાર્ટીના તેમની સહયોગી સમર લી સાંસદ છે. ચૂંટણી માટે એપ્રિલમાં પોતાના પહેલા મોટા પડકાર પ્રાઇમરી માટે તૈયારી કરી રહેલા ભાવિની પટેલે 3.10 લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કરી લીધું છે અને ભાવિની પટેલના જણાવ્યા પ્રમાણે આ ભંડોળની લગભગ 70 ટકા રકમ તેમણે રાજ્યમાંથી જ એકઠી કરી છે.


