- પોલીસની બોમ્બ સ્ક્વોડની ટીમોએ શાળાઓમાં તપાસ હાથ ધરી
- ગુરુવારે ચાર પ્રતિષ્ઠિત શાળાઓને ઇ-મેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
- ચાર શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળ્યા બાદ ભારે ગભરાટ ફેલાયો હતો
ચેન્નાઇ શહેરમાં ગુરુવારે ચાર પ્રતિષ્ઠિત શાળાઓને ઇ-મેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ તરત પેરન્ટ્સને સૂચના આપવામાં આવી હતી અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં. બીજી તરફ પોલીસની બોમ્બ સ્ક્વોડની ટીમો શાળાઓમાં પહોંચી ગઇ હતી અને શાળાઓમાં બોમ્બની શોધ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળ્યા બાદ ભારે ગભરાટ ફેલાયો હતો. શાળાના સંચાલકોને ઇ-મેલ મારફત ધમકી આપવામાં આવી હતી જેથી સંચાલકોએ પહેલું કામ બાળકોને ઘરે મોકલી આપવાનું કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઇમેલ ગ્રેટર ચેન્નાઇ પોલીસ (જીસીપી) સરહદની આસપાસની શાળાઓમાં પ્રાપ્ત થયાં હતાં. સંચાલકોએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતાં અને દરેક શાળા પર બોમ્બ સ્કવોડની ટીમ પહોંચી ગઇ હતી. દરમિયાન ચેન્નાઇ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે આ શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ માટે જીસીપી-બીડીડીએસ ટીમોને મોકલી આપવામાં આવી છે અને બીજી તરફ આ ઇ-મેલ મોકલનારા અપરાધીની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઉમેર્યું હતું કે જનતાને અનુરોધ છે કે તેઓ ગભરાય નહીં.


