- વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ માટે રમશે
- તરન્નુમે જણાવ્યું હતું કે મિતાલી રાજ પાસેથી મને ક્રિકેટના ઘણા પાઠ શીખવા મળશે
- નૂશીન અલ ખદીર સાથે બોલિંગને વધારે ધારદાર બનાવવા માટે આતુર છું
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં વડોદરાની ઓફ બ્રેક બોલર તરન્નુમ પઠાણ અદાણી સ્પોર્ટ્સ લાઇનની માલિકી હેઠળની ગુજરાત જાયન્ટ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. 30 વર્ષીય તરન્નુમે જણાવ્યું હતું કે ટીમની મેન્ટર તથા સલાહકાર મિતાલી રાજ પાસેથી મને ક્રિકેટના ઘણા પાઠ શીખવા મળશે. આ ઉપરાંત નૂશીન અલ ખદીર સાથે બોલિંગને વધારે ધારદાર બનાવવા માટે આતુર છું. ખદીર પણ મારી જેમ ઓફ સ્પિનર હતી પરંતુ અમને સાથે રમવાની ક્યારેય તક મળી નથી. તરન્નુમે પોતાની કારકિર્દીને ઘડવામાં મોટું યોગદાન આપનાર પિતા અને કાકાનો આભાર માનીને જણાવ્યું હતું કે પરિવારનું મને હંમેશાં સમર્થન મળ્યું છે અને મને સતત સાથ આપ્યો છે. હરાજી વખત એક વખત મેં આશા ગુમાવી દીધી હતી અને મને તક મળશે નહીં તેવું લાગતું હતું. ત્યારબાદ મારા ભાઈએ મારી પસંદગી થઈ છે તેવા સમાચાર આપ્યા હતા. નોંધનીય છે કે તરન્નુમ અને તેના પરિવારે હરાજીની પ્રક્રિયાને સતત નિહાળી હતી અને માતા મુમતાઝ બાનુએ જણાવ્યું હતું કે પસંદગી નહીં થાય તેવી અમને લાગણી થઈ રહી હતી. તે પછી તરન્નુમે ફોન કરીને ગુજરાત જાયન્ટ્સ ટીમમાં પોતાની પસંદગી થઈ છે તેવી અમને જાણ કરી હતી. આ સમયે તેના પિતા હોત તો ઘણા ખુશ થયા હોત.


