- આરોપીઓ ભીડવાળી જગ્યાએથી નજર ચુકવીને મોંઘા ફોન ચોરતા
- પાર્સલ બનાવી નેપાળ તથા બાંગ્લાદેશમાં વેચી દેતા
- સુરત તથા અમદાવાદમાં મજુરી કામની આડમાં મોબાઈલ ચોરી
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ચોરીના મોબાઇલ સાથે ઝારખંડની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભીડવાળી જગ્યાએથી નજર ચુકવીને મોંઘા ફોન ચોરી કરતા હતાં. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી 58 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. જોકે ચોરીના મોબાઈલ નેપાળ અને બાંગ્લાદેશમાં વેચાતા હોવાનું સામે આવતા, કેન્દ્રીય એજન્સીઓએ પણ આ અંગે ખાનગીમા કાર્યવાહી શરુ કરી છે.
સુરત તથા અમદાવાદમાં મજુરી કામની આડમાં મોબાઈલ ચોરી
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ઝારખંડની મોબાઈલ ચોરી કરતી ગેંગના બે આરોપી અવિનાશકુમાર મહાતો અને શ્યામકુમાર કુરમીની ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ મુળ ઝારખંડના છે. અને સુરત તથા અમદાવાદમાં મજુરી કામની આડમાં મોબાઈલ ચોરી કરતા હતા. આરોપી પાસેથી પોલીસે 20 લાખ 60 હજારની કિમતના 58 મોબાઈલ કબ્જે કર્યાં છે. ગેંગ ભીડભાડ વાળી જગ્યાએ જઇને લોકોની નજર ચુકવીને મોબાઇલ ચોરી કરતો. જે મોબાઇલ બેગ લઇને ઉભેલા શખ્સને આપી દેતા હતાં. અને જો ચોરી કરનાર શખ્સ ઝડપાઇ જાય તો આ શખ્સ બેગ લઇને પલાયન થઇ જતો હતો.
આરોપીઓને દર મહિને 25 હજાર રુપિયા પગાર પેટે ચુકવાતા
ઝડપાયેલા આરોપી અવિનાશ મહાતો અને શ્યામ કુરમીની પુછપરછ કરતા સામે આવ્યું કે , ઝારખંડ જીલ્લાના સાહિબરાજ જીલ્લાના બે આરોપી પિન્ટુ અને રાહુલ આ આખી ગેંગને ઓપરેટ કરતા હતા. ગામડામાં યુવાનોને રોજગારી આપવાના બહાને મોબાઇલ ચોરી કરવાની તાલીમ આપીને ચાર પાંચ યુવાનોની અલગ અલગ ટીમો બનાવતા હતાં. જે ટીમ અમદાવાદ, સુરત, રાજકોટ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં જતા અને ચોરીને અંજામ આપતા. જોકે આરોપીઓને દર મહિને 25 હજાર રુપિયા પગાર પેટે ચુકવાતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા બન્ને આરોપી છેલ્લા 2 વર્ષથી અમદાવાદ અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં આશ્રય ગૃહમાં રહેતા અને ચોરીને અંજામ આપતા હતા.
પાર્સલ બનાવી નેપાળ તથા બાંગ્લાદેશમાં વેચી દેતા
આરોપીની ગેંગ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે પુછપરછ કરતા હકિકત સામે આવી કે, ઝારખંડમાં ચોરીના તમામ મોબાઈલ શેખર નામના આરોપી પાસે જતા હતા. જે 2000 થી 5000 હજારમાં મોબાઈલના લોક તોડીને તેનુ પાર્સલ બનાવી નેપાળ તથા બાંગ્લાદેશમાં વેચી દેતા હતા. જેથી ચોરીના મોબાઈલનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરોધી પ્રવૃતિમાં થાય છે કે કેમ તે અંગે કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે.


