- એસટી બસે મોપેડને ટક્કર મારતા વૃદ્ધને ઇજાઓ પહોંચી
- સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ઝડપીને પોલીસને સોંપ્યો હતો
- એસટી બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાનું ખુલ્યું
આણંદના સામરખા નજીક વધુ એક નશાખોર ડ્રાયવરએ અકસ્માત સર્જયો છે. દારૂના નશામાં એસટી બસના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. મોપેડ ચાલક પ્રૌઢને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ એસટી બસના ચાલકને પકડી લીધો હતો. એસટી બસનો ચાલક દારૂના નશામાં ચકચૂર જણાયો હતો.
દારુના નશામાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો
વડાપ્રધાનના કાર્યક્રમમાં ધાનેરા રૂટ પરથી એસટી બસ લઈ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ચાલકએ દારૂના નશામાં કાર હંકારીને અકસ્માત સર્જયો હતો. આણંદ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવમાં અકસ્માતનો આ છઠ્ઠો બનાવ છે. જિલ્લામાં દારૂબંધીના કાયદાના લીરેલીરાં ઉડી રહ્યાં છે.
વડોદરામાં પણ અગાઉ નશાખોર ડ્રાવરે અકસ્માત સર્જયો હતો
વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિવાળીના દિવસો હોઈ હાલમાં ગુજરાતના દરેક બસ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવાઈ રહી છે. ત્યારે વડોદરામાં પણ મોટી સંખ્યામાં લોકો હાલમાં એસટી બસ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે આ મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નશામાં ધૂત એક બસ ડ્રાઈવરને બસ ચલાવતા ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરાથી માણસા જતી બસનો બનાવ
આ મામલે વધુ જાણકારી અનુસાર આ ઘટના વડોદરાથી વ્યારા થઈ માણસા જતી બસમાં બનવા પામી હતી. આ બસના ડ્રાઈવરનું નામ દિપક સુતરિયા હોવાનું સામે આવ્યું છે. આ ડ્રાઈવરે નશો કરેલી હાલતમાં બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. જો કે મુસાફરોનો જીવ અદ્ધર ચડતા આખરે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી જેના પછી પોલીસે કાર્યવાહી કરીને બસને તેના રૂટ પર કોર્ડન કરી આગળ વધતા અટકાવી હતી.
પોલીસે બસને કોર્ડન કરી અટકાવી હતી
સમા તળાવ આગળ પોલીસે બસને કોર્ડન કરીને અટકાવી હતી. જેના પછી પોલીસ દ્વારા જ કાર્યવાહી કરીને આ બસ ચાલક દિપક સુતરિયાની અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાતમાં હાલમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનથી પરત ફરી રહ્યા છે. જેને લઈને બસમાં ભીડ પણ ખૂબ હોય છે. તેથી આ ઘટનામાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થાય તેમ હતા. જો કે સદ્નસીબે તેમ થયું નહોતું અને જાગૃત મુસાફરોની ફરિયાદના પગલે ઘણાં લોકોના જીવ બચી ગયા હતા. હાલ આ મામલે સમા પોલીસે બસ ચાલક દિપક સુતરિયાની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


