- અમદાવાદના વાડજ વિસ્તારમાં બની ઘટના
- અત્યંત ક્રૂર કહી શકાય એવી ઘટના બની
- આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમાદાવાદમાં દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે તેને પાડોશી યુવકે બિસ્કિટ અપાવવાના બહાને બોલાવી અને પોતાની હવસ સંતોષી હતી. આ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડી હતી ત્યારે તેની જાણ પરિવારને થઈ. પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. અત્યંત ક્રૂર કહી શકાય એવી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં માસૂમ બાળકી પરિવાર સાથે રહેતી હતી. બાળકીના માતા-પિતા શ્રમજીવી છે અને તેઓ નાનું-મોટું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. જેમાં સોમવારે બપોરે તે પોતાના ઘર પાસે રમી રહી હતી અને નાનાં બાળકોની જેમ તે પણ આમતેમ દોડાદોડ કરી રહી હતી. તેનાં માતા-પિતાને એવું હતું કે તે ઘર પાસે રમી રહી હતી.
બાળકી જ્યારે લાંબા સમય સુધી મળી નહીં તો આસપાસના લોકો પણ તેને શોધવા લાગ્યા. આ શોધખોળ દરમિયાન ઘરથી થોડી દૂર બેભાન હાલતમાં મળી આવી હતી. તેને જોઈને લોકો બૂમો પાડવા લાગ્યા કે આની સાથે કશું થયું, પરંતુ કંઈ ખબર પડી નહીં. તેના શરીરની આસપાસ લોહી પણ દેખાતું હતું. તાત્કાલિક જ એમ્બ્યુલન્સને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ તે કશું બોલી શકતી નહોતી.
આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી અને આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો આસપાસમાં રહેતો એક 34 વર્ષનો યુવક ગાયબ હતો અને આ ગુમ થયેલા યુવકે જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા પર પોલીસ તેને પકડીને લાવી છે અને હાલ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, આ યુવક પશ્ચિમ બંગાળનો અને પોતે મજૂરીકામ કરતો હોવાનું પણ જાણવા મળી છે. આ હચમચાવી દેવી તેવી ઘટના ભલે શ્રમજીવી વિસ્તારમાં બની છે, પરંતુ એક માસૂમ બાળકી સાથે બનેલી ઘટના સમગ્ર શહેરમાં એક ચોંકાવનારી બાબત ઊપસી આવી છે.


