- 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ કર્યા હતા
- ફિંગરપ્રિન્ટના આધારે 3 વર્ષથી અનાજ ઉપાડી લેવાયું
- તપાસમાં 4 મૃત રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખ્યા
પંચમહાલના ગોધરમાં હવે બનાવટી સોફ્ટવેરને આધારે રેશનકાર્ડ ધારકોનું અનાજ ચાઉં કરી જવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 4 મૃત રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તપાસ ટીમને પણ મોટા ગોલમાલની ગંધ આવી છે.
ગોધરા શહેરના તીરગરવાસમાં આવેલી ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ છે. NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કરાયું છે.
આ અંગેની માહિતી અનુસાર, ગોધરામાં બનાવટી સોફ્ટવેરના રેશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરવામાં આવતી હતી. 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેવાયું છે. તપાસમાં 4 મૃત રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું છે.
જેના સાથે જ જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. કુલ રૂ 42898 નો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર કૌભાંડને લઇને સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત ચાર ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.


