- રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
- વિદ્યાર્થી 12મા ધોરણની સાથે JEEની તૈયારી કરી રહ્યો હતો
- સવારે પરિવારજનોએ વિદ્યાર્થીને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડ્યો
રાજસ્થાનનું કોટા શહેર જ્યાં કેટલાયે વિદ્યાર્થીઓ સપના સજાવીને ભવિષ્યની કેડી કંડારવા આવે. કેટલાયે વિદ્યાર્થીઓ સફળ થાય છે પણ કોટામાં જે રીતે વારંવાર વિદ્યાર્થીઓના આત્મહત્યાના સમાચાર આવે છે માતા-પિતા, બાળકો તેમજ સોસાયટીએ એકવાર વિચારવુ રહ્યુ કે આપણે કઇ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષનો આ ચોથો કેસ છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી 12મા ધોરણની સાથે JEEની તૈયારી કરી રહ્યો હતો. સવારે પરિવારજનોએ વિદ્યાર્થીને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડ્યો તેને વારંવાર ફોન ન ઉપાડતાં પરિવારજનોને ચિંતા થવા લાગી અને હોસ્ટેલના વોર્ડનને ફોન કર્યો હતો.
સવારે પરિવારજનોનો ફોન ઉપાડ્યો ન હતો
વિદ્યાર્થીના પરિવારનો ફોન આવતા હોસ્ટેલના વોર્ડન રૂમમાં પહોંચ્યા અને વિદ્યાર્થીને પંખાથી લટકતી હાલતમાં જોયો. વોર્ડને તાત્કાલિક પોલીસ અને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીનો મૃતદેહ નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી છે.
કોટા આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે
રાજસ્થાનનો કોટા જિલ્લો એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગનું હબ છે. દર વર્ષે લાખો બાળકો અહીં તેમના સપના પૂરા કરવા આવે છે. આવી સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓ સફળ થાય છે અને ઘણા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડે છે. વર્ષ 2024ના પ્રથમ મહિનામાં જ 3 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આજે પણ એક એવા જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યારે JEEના એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. આ એક માત્ર કિસ્સો નથી, નિરાશાને કારણે આત્મહત્યા અને માનસિક હતાશાના ઘણા કિસ્સાઓ કોટાથી વારંવાર આવે છે.
ખાસ નોંધ:- (જો તમને કે તમારા આસપાસ રહેલા કોઇને આત્મહત્યાના વિચારો આવે છે, તો તે ખૂબ જ ગંભીર છે. ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પર તાત્કાલિક સંપર્ક કરો. તમે ટેલિહેલ્થ હેલ્પલાઇન નંબર 1800914416 પર પણ કૉલ કરી શકો છો. અહીં તમારી ઓળખ છુપાવી રાખવામાં આવશે.નિષ્ણાતો તમને આ પરિસ્થિતિને દૂર કરવા માટે જરૂરી સલાહ આપશે. યાદ રાખો જો જીવન છે, તો વિશ્વ છે. આત્મહત્યા ક્યારેય કોઇ સમસ્યાનો હલ નથી આવા વિચાર આવે ત્યારે એકવાર જરૂરથી વિચારી લો જીવન ખુબ જ મુલ્યવાન છે)


