- દિલ્હી તરફ આગળ વધી રહ્યા ખેડૂતોના 2500 ટ્રેક્ટર
- વીજળી અધિનિયમ 2020ને રદ કરવા પર સહમતિ
- ખેડૂતો પર નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવશે
વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી ચલો માર્ચના આહ્વાન વચ્ચે સોમવારે 12 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે અનેક મુદ્દાઓને લઈને બેઠક યોજાઈ રહી છે. સૂત્રોએ આ બેઠક અંગે ઘણી માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોને વળતર આપવામાં આવશે અને વીજળી અધિનિયમ 2020ને રદ કરવા પર સહમતિ બની છે.
આ અહેવાલ લખાઈ રહ્યો છે ટે સમયે પણ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક ચાલુ હતી. ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે તે અંગે પણ સહમતિ બની છે. જો કે, MSP ગેરંટી એક્ટ, ખેડૂત લોન માફી અને સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ હજુ અટવાયેલો છે.
ખેડૂતો તેમના પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે અને આ અંગે કેન્દ્ર પર દબાણ લાવવા માટે 13 ફેબ્રુઆરીએ કૂચનું આહ્વાન કર્યું છે.
પંજાબના અનેક વિસ્તારોમાંથી નીકળી ચૂક્યા ટ્રેક્ટર
મીડિયા અહેવાલ મુજબ, દિલ્હી માર્ચમાં સામેલ થવા માટે સવારથી જ પંજાબના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટર-ટ્રોલીઓ રવાના થઈ ગઈ છે. ખેડૂતોની દિલ્હી માર્ચને કારણે વ્યાપક તણાવ અને “સામાજિક અશાંતિ” ની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં એક મહિના માટે ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ 144 લાગુ કરી છે.
દિલ્હીમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 13 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચને ધ્યાનમાં રાખીને, સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને ટ્રાફિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વાહનોને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે, દિલ્હીની સરહદોને કોંક્રીટના અવરોધકો અને આયર્ન સ્પાઇક્સ લગાવીને મજબૂત કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. આ ઉપાયોને કારણે સોમવારે સવારે દિલ્હીના સરહદી વિસ્તારોમાં વાહનવ્યવહાર પર ઘણી અસર પડી હતી, જેને કારણે મુસાફરોને ખાસ્સી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
બેઠકમાં આ મંત્રીઓએ હાજર
2021માં ખેડૂતો આંદોલન પાછું ખેંચવા માટે સંમત થયા હતા તેમાંથી એક શરત MSPની ગેરંટી અંગે કાયદો બનાવવાની હતી. ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ પ્રધાન અર્જુન મુંડા સહિતના કેન્દ્રીય પ્રધાનો ચંદીગઢના સેક્ટર 26માં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. મોડી સાંજ સુધી બેઠક ચાલુ રહી હતી.
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેર અને અન્ય અહીં ચાલી રહેલી બેઠકમાં હાજર છે. 8 ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


