- યૂક્રેનની ગેરહાજરીમાં યુદ્ધવિરામ પર ચર્ચા કરવા અમરિકાનો ઇનકાર
- પુતિન સંઘર્ષ રોકવા પ્રયાસરત પરંતુ હસ્તકની જમીન છોડવા તૈયાર નહીં
- પુતિન યૂક્રેન યુદ્ધમાં પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ શકે : મસ્ક
રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને મૂકેલી દરખાસ્તને અમેરિકાએ ફગાવી દીધી છે. પુતિને ગયા વર્ષે મધ્યસ્થીઓ મારફતે જાહેર અને ખાનગી રાહે અમેરિકાને યુદ્ધવિરામના સંકેત આપ્યા હતા. તેણે સંકેત આપ્યા હતા કે રશિયા યૂક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. પુતિન યૂક્રેન-રશિયા સંઘર્ષને અટકાવવા પ્રયાસ તો કરી રહ્યા હતા, પરંતુ રશિયા દ્વારા નિયંત્રિત યૂક્રેનની જમીન છોડવા તૈયાર નહોતા.સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા યૂક્રેન પર દબાણ કરવાની ઇચ્છા નહીં ધરાવતું હોવાથી વાતચીતના પ્રયાસો નિષ્ફળ ગયા. રશિયન સૂત્રોના જણાવ્યા મુજબ વાતચીતના પ્રયાસ નિષ્ફળ જતાં રશિયાએ અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું કે, ‘મને જાણ છે કે તેઓ કાંઈ નહીં કરે. બે મહિનાથી ઊભા કરેલા તમામ તારોને અમેરિકાએ કાપી નાખ્યા.’ એક બીજા સૂત્રનું કહેવું છે કે અમેરિકાને પુતિનની પ્રમાણિકતા પર ભરોસો નથી. એક સૂત્રે એમ પણ કહ્યું કે, ‘પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર હતા, પરંતુ હવે પુતિન પણ જરૂર જણાશે ત્યાં સુધી લડતા રહેશે.’ અમેરિકી પ્રમુખ જો બાઇડેન યૂક્રેન માટે વધુ સહાય મંજૂર કરવા સંસદને દબાણ કરી રહ્યા છે. પરંતુ તેમને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
પુતિન યૂક્રેન યુદ્ધમાં પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ શકે : મસ્ક
રશિયા-યૂક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ચૂક્યા છે. તે દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયા હવે યૂક્રેન યુદ્ધમાં પીછેહઠ કરી શકે તેમ નથી. તાજેતરમાં અમેરિકી સાંસદો સાથે સોશિયલ મીડિયા મંચ પર આ મુદ્દે ચર્ચામાં ઉતરતાં ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે પણ આ વાત દોહરાવી હતી. તેમણે કહ્યું કે પુતિન યુદ્ધમાં હારી જાય તેવી કોઈ શક્યતા નથી. મસ્કે કહ્યું કે પુતિન પર પહેલેથી જ યૂક્રેનમાં યુદ્ધ જારી રાખવાનું દબાણ છે. મસ્કે સ્પષ્ટતા કરી કે લોકો તેમને પુતિનની તરફેણમાં નિવેદન આપનારા માને છે. પરંતુ તેવું નથી. પુતિન પર યૂક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખવાનું એટલું દબાણ છે કે તેઓ પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ શકે છે.


