- ભણવાને બદલે સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હોવાથી ઠપકો આપ્યો હતો
- સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે
- સગીરાને અભ્યાસ માટે માતા-પિતાએ મોબાઇલ અપાવ્યો હતો
વસ્ત્રાપુરમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે. સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે. સગીરાને અભ્યાસ માટે માતા-પિતાએ મોબાઇલ અપાવ્યો હતો. જે મોબાઇલનો ઉપયોગ સગીરા ભણવા માટે નહિ પરંતુ સોશિયલ મીડિયામાં યુવકો સાથે વાતો કરવા લાગી હતી અને અભ્યાસ પર ધ્યાન આપતી ન હતી. આથી માતા-પિતાએ તેને ભણવા બાબતે ઠપકો આપીને મોબાઇલ લઈ લીધો હતો. આ વાતનું મનમાં લાગી આવતા સગીરાએ ઘરમાં રૂમમાં જઇને બંધ કરીને ફાંસો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના માતા-પિતાને જાણ થતા તેમણે સગીરાને તાત્કાલિક બચાવી લીધી હતી, પરંતુ સગીરા મને તમે ગમતા નથી મારે તમારી સાથે રહેવું નથી, મને આત્મહત્યા કરી લેવા દો તેમ જણાવતી હોવાથી માતાએ સગીરાને સમજાવવા માટે મહિલા અભયમ્ની મદદ માગી હતી. અભયમ્ની ટીમને સગીરાએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતા તેને માર મારે છે, મોબાઇલ આપતા નથી અને હું મારા મિત્રો સાથે ફરવા જવા દેતા નથી, જેથી હું કંટાળી ગઈ છું અને મારે આત્મહત્યા કરી લેવી છે. બાદમાં અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને સમજાવતા ફ્રી વખત આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે તથા અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી માતા-પિતાની તમામ બાબતો માનવાની તેણે બાંહેધરી આપી હતી.


