તા.૨૫ થી ૨૮ અયોધ્યામાં વિહિપની કેન્દ્રીય મંડળની બેઠક મળશે
અયોધ્યા કારસેવક પૂરમ ખાતે તા.૨પ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય સન્યાસી મંડળની એક બેઠક મળનાર છે. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દ્વારકા, અંબાજી સહિતના જે મંદિરો અત્યારે સરકાર હસ્તક છે તે તમામ મંદિરોને મુકિત આપી અને ટ્રસ્ટને સોંપવા માટેની ચર્ચા વિચારણા થશે. તેમજ આ બેઠકમાં ધર્માંતરણ, લવ જેહાદ, કાશી-મથુરા, ગૌરક્ષા અને સામાજીક સમરસતા વિષયો પર પણ ચર્ચા-વિચારણા થશે.
અયોધ્યા ખાતે મળનારી વિહિપની કેન્દ્રીય સન્યાસી મંડળની બેઠકમાં દેશના ૪૪ પ્રાંતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં આગામી સમયમાં સરકાર હસ્તકના જેટલા મંદિરો છે તે તમામને મુકિત આપી અને આ મંદિરો ટ્રસ્ટને પરત સોંપી દેવા તે વિષયની પણ ચર્ચા વિચારણા થશે. વિહિપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી વિહિપ દ્વારા આ બાબતે માંગણી કરવામાં આવી રહી છે. આમ હવે વિહિપ સરકાર હસ્તકના મંદિરોની મુકિત માટે મેદાનમાં આવ્યું છે.


