- વિભાગકક્ષાએથી વર્ષો જૂના આવાસો તોડવા માટે મંજૂરી અપાઈ
- જૂના આવસોમાં 40થી વધુ ભરેલા હોવાથી પહેલાં ખાલી કરાવાશે
- ટેન્ડરની સહિતની પ્રક્રિયા કરીને આવાસ તોડી પાડવામાં આવશે
ગાંધીનગર શહેરમાં સરકારી આવાસ માટે લાંબા વેઈટિંગ વચ્ચે તબક્કાવાર આવાસો તોડીને નવા ફ્લેટટાઈપ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યાર ટૂંકસમયમાં સેક્ટર-6 ખાતે જ-ટાઈપના અઢીસો જેટલા આવાસ તોડી પાડવા માટે તજવીજ હાથ ધરાશે. આવાસ તોડવા માટેની મંજૂરી મળી ગઈ છે, જેને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં જર્જરિત આવાસોને તોડી પાડીને જગ્યા ખુલ્લી કરવામાં આવશે.
મળેલી માહિતી મુજબ સેક્ટર-6 ખાતે વર્ષો જૂના આવાસો તોડીને અલગ-અલગ ટાઈપના અંદાજે 1200થી વધુ આવાસો તબક્કાવાર તૈયાર કરવામાં આવેલા છે. આમ છતાં હજુ પણ જ- ટાઈપના 42 જેટલા બ્લોકમાં આવેલા 252 જેટલા આવાસ તોડવાના બાકી છે. આ આવાસ તોડી પાડવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જેને વિભાગ તરફથી મંજૂરી મળી જતાં હવે ટેન્ડરની સહિતની પ્રક્રિયા કરીને આવાસ તોડી પાડવામાં આવશે. જોકે અહીં હજુ પણ 40થી વધુ આવાસ ભરેલા છે, જેને પગલે આ રહીશોને આખરી નોટિસ બાદ કામગીરી શરૂ કરવામાં આવનારી હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં સુધીમાં જે બ્લોક સંપૂર્ણ રીતે ખાલી છે તેને તોડવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરી દેવાની તૈયારી હોવાનું કહેવાય છે. સેક્ટર-6 ખાતે પહેલાંથી જ 1200થી વધુ ફ્લેટ ટાઈપ આવાસ હોવાને પગલે આગામી સમયે ખુલ્લી થયેલી જગ્યામાં નવા આવાસ બનવાની શક્યતાઓ ઓછી છે. ઉલ્લેખનિય છે કે સેક્ટર-6 ખાતે સી-ટાઈપના 280 જેટલા આવાસોનું મહિનાના અંત સુધીમાં લોકાર્પણ થઈ શકે તેમ છે. આ ઉપરાંત બી-ટાઈપના 260 જેટલા આવાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે બન્યા બાદ સેક્ટર-6 ખાતે જ સરકારી આવાસોની સંખ્યા 1200થી વધુ થઈ જશે. જે પાટનગરમાં સૌથી વધુ સરકારી આવાસ ધરાવતા વિસ્તાર બની જશે.


