- સેંકડો મહિલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી
- આગામી સમયમાં ન્યાય ન મળે તો ચૂંટણી કામગીરીના બહિષ્કારની ચીમકી
- સંગઠિત બનો એક બનોના સૂત્રોચ્ચાર કરી તેમણે સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો
મહેસાણા ખાતે બિલાડી બાગમાં એકત્રિત થયેલી સેંકડો આંગણવાડી મહિલા કાર્યકરો અને આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા તેમને ચુકવવામાં આવતો પગાર લઘુત્તમ વેતન ધારા કરતાં ઓછો છે. સર્વોચ્ચ અદાલતે માનદ વેતનને બદલે પુરો પગાર આપવા તેમજ તેમને કાયમી કર્મચારીઓનો દરજ્જો આપવાનો હુકમ કર્યો હોવા છતાં પણ રાજય સરકાર અમલ કરતી નથી અને ફિકસ પગાર આપી આર્થિક રીતે શોષણ કરતી હોવાથી આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર બહેનોમાં રોષની લાગણી ફેલાઈ છે. આશા વર્કર બહેનો દ્વિદિવસીય હડતાળ ઉપર છે. જયારે આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાળ ઉપર છે.
અમારે ભીખ નહીં પરંતુ, હક્ક જોઈએ છે, સંગઠિત બનો એક બનોના સૂત્રોચ્ચાર કરી તેમણે સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. તેમની પાસે અન્ય કામગીરી પણ કરાવવામાં આવે છે. આગામી સમયમાં ન્યાય ન મળે તો તેમણે ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. તેઓ ભૂતકાળમાં પણ વિરોધ પ્રદર્શન કરી ચુકી છે તેમ છતાં ન્યાય ન મળતાં ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરમાં વિરોધ પ્રદર્શન માટે હડતાળ ઉપર ઉતરેલી મહિલા કાર્યકરો દ્રષ્ટિગોચર થાય છે અને સરકાર સામે બળાપો કાઢયો હતો.


