- ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી શિર રાખોડી ટીટોડી
- પાવાગઢ વડા તળાવ પાસે જોવા મળી આ ટીટોડી નામનું પક્ષી
- રાજગઢ રેન્જ વિસ્તરણ વિભાગના આર એફઓ ના કેમેરા માં કેદ થયા
ગુજરાતમાં પ્રથમવાર શિર રાખોડી ટિટોડી પક્ષી જોવા મળ્યું હોવાનું જણાવી રહ્યા છે. પંચમહાલના પાવાગઢ નજીક આવેલા વડાતળાવમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહેલા ઘોઘંબા વિસ્તરણ રેન્જ ઓફિસરે તેમના કેમેરામાં નવા પક્ષીની તસવીરો કેદ કરી હતી. ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ દુર્લભ પક્ષી ‘રાખોડી શિર ટિટોડી’ નામની ટિટોડી જોવા મળી છે. જે પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે ખુશીના સમાચાર છે.
ડુંગરોથી ઘેરાયેલા ઔષધિય, ફળાઉ વનરાજી અને દુર્લભ વનસ્પતિઓ તેમજ જૈવ વૈવિધ્યથી ભરપૂર જંગલોમાં રીંછ, દીપડા, જરખ, ચૌશિંગા, વણિયર જેવાં અનેક પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓથી જોવા મળે છે. ત્યારે 11 ફેબ્રુઆરી ’24ના રવિવારે પાવાગઢ નજીક આવેલા વડાતળાવ ખાતે પક્ષીદર્શન અને ફોટોગ્રાફી કરી રહેલા ઘોઘંબા વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફિસર જયેશ દુમડિયાના કેમેરામાં ‘રાખોડી શિર ટિટોડી’ કેદ થઈ હતી.
નોંધનીય છેકે, આ ટિટોડી 2021માં વડોદરા નજીકના ટીંબી તળાવમાં જોવા મળી હતી. આ ઉપરાંત એ જ વર્ષમાં કચ્છના નાના રણમાં આવેલા નવા તળાવમાં પણ જોવા મળી હતી. 2021 બાદ છેક ત્રણ વર્ષે આ દુર્લભ ટિટોડી ગુજરાતમાં પાવાગઢ પાસે જોવા મળી છે.
આ પક્ષી વિશે ઓફિસરે તપાસ કરતા તે મૂળ ચીન, જાપાન, મંગોલિયા બાજુ વસવાટ કરતું પક્ષી હોવાનું અને શિયાળામાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં તેમજ શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મહેમાન બનતું પક્ષી અને જે ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયું હોવાની વિગતો આપી હતી. વનસ્પતિ અને વન્ય જીવોથી સમૃદ્ધ પંચમહાલ જિલ્લાનાં નયનરમ્ય જંગલો અહીં કુદરતે વેરેલા પ્રાકૃતિક સૌંદર્યને કારણે અનેક પ્રવાસીઓ, પક્ષીવિદો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.


