ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન અચાનક ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યું છે કે અશ્વિને ફેમેલી ઈમરજન્સીના કારણે રાજકોટ ટેસ્ટમાંથી ખસી ગયો છે. અશ્વિનને અચાનક ત્રીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું તેનું મોટું કારણ મળતી માહિતી મુજબ રવિચંદ્રન અશ્વિનની માતા બીમાર છે. તે હોસ્પિટલમાં દાખલ છે.
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે “હું રવિચંદ્રન અશ્વિનની માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેણે રાજકોટ ટેસ્ટ છોડીને તેની માતા સાથે રહેવા ચેન્નાઈ જવું પડ્યું હતું. BCCIએ કહ્યું છે કે બોર્ડ અને ટીમ આ પડકારજનક સમયમાં અશ્વિનની સાથે છે. અશ્વિને ત્રીજી ટેસ્ટમાં અત્યાર સુધી 7 ઓવર ફેંકી છે. જેમાં તેણે 37 રનમાં 1 વિકેટ લીધી છે. અશ્વિને 14મી ઓવરમાં ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલીને 15 રન પર આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હવે ટીમ ઈન્ડિયા તેની ખોટ પડશે.
ફેન્સ પ્રાર્થના કરવા લાગ્યા
મળતી માહિતી મુજબ, અશ્વિનને અચાનક તેની માતા બીમાર હોવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી મળી. આ પછી તે ટીમ અને અધિકારીઓને જાણ કરીને રાજકોટ જવા રવાના થયો હતો. ઉલ્લેખનીય છે કે રવિચંદ્રન અશ્વિનનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવતો અશ્વિન ચેન્નાઈના પશ્ચિમ મામ્બલમમાં રહે છે. અશ્વિનની માતાની તબિયત બગડતી હોવાથી ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા સામે સંકટ
બીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 37 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 207 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ હાલમાં 238 રનથી પાછળ છે. અશ્વિનની બાદબાકીના કારણે ટીમ ઈન્ડિયા સંકટની સ્થિતિમાં છે. તેના સ્થાને કયો ખેલાડી વાપસી કરે છે તે જોવું રહ્યું. હાલ તેમની બદલીની જાહેરાત કરવામાં આવી નથી. અક્ષર પટેલ કે વોશિંગ્ટન સુંદરને લઈને અટકળોએ જોર પકડ્યું છે. આ પહેલા અશ્વિને તેની કારકિર્દીમાં મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં જેક ક્રોલીને આઉટ કરીને તેની રેકોર્ડ 500મી ટેસ્ટ વિકેટ લીધી હતી.


