- થરાદ જેતડા ખાતે મહાવીર સ્વામી ભગવાનના મંદિર જિર્ણોદ્ધારનો વિવાદ
- રાષ્ટ્રીય અધ્યક્ષના નામે ધમકીભર્યા પોસ્ટર ફરતા કરી સમાજમાં બદનામ કરવા પ્રયાસ
- બનાવ અંગે નવરંગપુરા પોલીસે શનિવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામે આવેલા મહાવીર સ્વામી ભગવાનના મંદિરના જિર્ણોધ્ધાર માટે જેતડા શ્વેતામ્બર મુર્તીપૂજક જૈન સંઘનું નામનો ખોટી રીતે ઉપયોગ કરવાના મુદ્દે વિરોધ થતા બે પક્ષ પડી ગયા હતા. આ મામલે ભારતીય જૈન સમાજની અખિલ ભારતીય ત્રીસ્તુતિક જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત 120 જેટલા પરિવારોએ વિરોધ કર્યો હતો. આમ, જેતડા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધનું નામનો ઉપયોગ કરવાના વિરોધમાં બહુમતી પરિવારો હોવા છતાં અલ્પમતના લોકોએ આગામી તા.22-2-2024ના રોજ મંદિરના જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું. દરમિયાન વિરોધમાં રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષના નામે તેઓની જાણ બહાર મંદિરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠાનું આયોજન કરતા લોકોને ધમકી આપતા પોસ્ટરો તૈયાર કરાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા તેમજ જેતડામાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા. આમ, સમાજ લેવલે આ બાબતે વાતચીત ચાલુ હોવા છતાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિરોધમાં રહેલા પરિવારોને બદનામ કરવાના હેતુથી અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે નવરંગપુરા પોલીસે શનિવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં મીઠાખળી પાસે કલ્યાણ સોસાયટીમાં અક્ષત બંગલોમાં રહેતાં અને ભારતીય જૈન સમાજની અખિળ ભારતીય ત્રિસ્તુતિક જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમદાવાદ ત્રિસ્તુતિક જૈન સંઘના અધ્યક્ષ તરીકે કાર્યરત વાઘજીભાઈ બબલદાસ વોરા (ઉં,78)એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેઓને બદનામ કરવાના કાવતરાના ભાગરૂપે તેઓના નામના ધમકીભર્યા પોસ્ટરો છપાવી વાઇરલ કરવા અંગે ફરિયાદ કરી છે. જે મુજબ જેતડા શ્વેતામ્બર મુર્તીપૂજક જૈન સંઘના નામનો ખોટી રીતે ઉપયોગ કરી જૈન સમાજના કેટલાક અલ્પમત ભાઈઓએ મંદિરના જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠાનું આયોજન તા.22મીના રોજ કર્યું હતું.


