- પ્રદર્શની સ્ટોલનું ઉદ્ઘાટન કરી લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોના મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા
- ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી
- જજ એન.વી.અંજારીયાને જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ(નવી દિલ્હી), ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે 18મીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાંતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયુ હતું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શનની સ્ટોલનું ઉદ્ધઘાટન કરી મહાનુભાવોએ વિવિધ સ્ટોલસની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ન્યાય માટેનું કામ કયાંથી શરુ કર્યું, કયાં પહોંચ્યાં અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું. તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓટોરિટીને આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ એન.વી.અંજારીયાને જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે. સામાન્ય લોકોને કેવી રીતે કવોલિટી કાનૂની સહાય મળે એ મહત્ત્વની બાબત છે. સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી. નાલસાએ વિવિધ શ્રોણી માટેની યોજનાઓ બનાવી છે. જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ અવિરત ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓનો અમલી બનાવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજના વહીવટદાર આર.આઈ.શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું,વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન ભારત કાર્ડ,ન્યુટ્રિશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય, મંજુરી હુકમ પત્રો અને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ બીરેન એ.વૈષ્ણવ, જજ પ્રણવ ત્રિવેદી, હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજીસ્ટ્રાર જનરલ મૂલચંદ ત્યાગી, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ આર. જી. દેવધરા, જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ સહિત જિલ્લા ઓથોરીટીના અધિકારીઓ, ધારાશાસ્ત્રીઓ અને જિલ્લામાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


