વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ
રાજયની તમામ વિધાનસભા બેઠકોનું અવલોકન કર્યા બાદ પ્લાન ઘડાયો, દરેક વિધાનસભામાં યોજાશે બેઠકો, વર્તમાન સ્થિતિની ચર્ચાઓ બાદ સીટ મુજબ ભૌગોલિક, સામાજીક અને રાજકીય સ્થિતિ પ્રમાણે અલગ વ્યુહરચના કરાશે તૈયાર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાવા લાગ્યો છે. રાજ્યમાં ફરી એકવાર સત્તાના સૂત્રો હાંસલ કરવા અને વિજયી પરચમ લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની આક્રમક રણનીતિ અમલમાં મૂકી દીધી છે. જે અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા આજથી રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણીની સત્તાવાર તૈયારીઓના ભાગરૂપે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા આજથી જ સમગ્ર રાજ્યમાં વન ડે વન એસેમ્બલી વન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દરેક વિધાનસભા મતવિસ્તારમાં જઈને સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી કરશે. મહત્વનું છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભાજપના મોવડી મંડળ દ્વારા અભિયાન અંતર્ગત મંથન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન તે રણનીતિનો જ એક ભાગ મુજબ પ્રમાણે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ બાદ હવે વિધાનસભાની તૈયારીઓ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકોનું ઝીણવટભર્યું અવલોકન કર્યું છે. જેના આધારે હવે વિધાનસભા બેઠકોને મુખ્ય 3 કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બેઠકની ભૌગોલિક, સામાજિક અને રાજકીય સ્થિતિ મુજબ અલગ વ્યુહરચના તૈયાર કરવાનો છે.
ખાસ કરીને, જે બેઠકો પર ભાજપની પકડ નબળી છે અથવા જ્યાં અગાઉ હારનો સામનો કરવો પડ્યો હતો, તેવી નબળી વિધાનસભા બેઠકો પર અત્યારથી જ વિશેષ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપની આ વખતની ચૂંટણી વ્યૂહરચનામાં સ્થાનિક મુદ્દાઓ અને પાયાના પ્રશ્નો પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી રણનીતિ ઘડી છે.
નેતાઓની જવાબદારીઓ નક્કી કરાઇ
દરેક વિધાનસભાના સ્થાનિક પ્રશ્નોને ઓળખીને તેનો ઉકેલ લાવવા અને જનતા સુધી પહોંચવા પર ભાર મૂકવામાં આવશે. તેમજ પક્ષમાં નેતાગીરીના સ્તરે પણ મહત્વના ફેરફારો અને જવાબદારીઓ નક્કી કરાઈ છે. જેમાં યુવા નેતાગીરીને આગળ લાવવાની સાથે-સાથે સિનિયર નેતાઓની એક્ટિવનેસ અને તેમના અનુભવનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે
ચૂંટણી આડે હજુ એક વર્ષ બાકી
યુવા નેતાઓના ઉત્સાહ અને વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ ભાજપ ચૂંટણીના મેદાનમાં જીત મેળવવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે. આમ, ગુજરાત ભાજપે ચૂંટણીના હજી એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ગ્રાઉન્ડમાં મજબૂત કરવામાં કામગીરી જોતરાઈ ગયું છે. વન ડે વન એસેમ્બલી વન અભિયાન અને બેઠકોના વર્ગીકરણ દ્વારા ભાજપ દરેક મતવિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવાની રણનીતિ ઘડાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપની આ માઈક્રો-લેવલની રણનીતિ આગામી વિધાનસભા ચૂંટણીમાં કેટલા અંશે સફળ સાબિત થાય છે.


