- રાજકોટ ટેસ્ટમાં રોહિત શર્માની શાનદાર ઈનિંગ
- રોહિત શર્માએ 196 બોલમાં 131 રન બનાવ્યા
- ઈનિંગ દરમિયાન 14 ફોર અને 3 સિક્સ ફટકારી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 131 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિતની આ 11મી સદી હતી. રોહિત શર્મા અત્યાર સુધી એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. પરંતુ આમ છતાં હિટમેન સદીઓને મહત્વ આપતો નથી .
રાજકોટ ટેસ્ટમાં 434 રનની મોટી જીત બાદ રોહિત શર્માએ સદીની વાત કરી. ભારતીય કેપ્ટને કહ્યું, “મારા દેશ માટે હું જે પણ રન બનાવું છું તે મહત્વપૂર્ણ છે, મારા દેશ માટે મારી દરેક સદી મહત્વપૂર્ણ છે. હું તે પ્રકારનો વ્યક્તિ નથી જે સદીઓને મહત્વ આપે છે.”
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર ઈનિંગ
ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં રોહિત શર્માનું બેટ શાંત દેખાયું. પરંતુ ત્રીજી મેચમાં તેણે શાનદાર ઇનિંગ રમી હતી. હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટને બંને દાવમાં અનુક્રમે 24 અને 39 રન બનાવ્યા હતા. આ પછી વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ 14 અને 13 રનની ઇનિંગ રમી હતી. પરંતુ, રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં હિટમેનનું બેટ બોલ્યું અને તેણે 196 બોલમાં 14 ફોર અને 3 સિક્સની મદદથી 131 રન બનાવ્યા.
રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા કમાલ કરી
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે આગામી બે ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. હવે સિરીઝની ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.


