- રાંચી ટેસ્ટના પરિણામ બાદ બુમરાહને પાંચમી ટેસ્ટમાં રમાડવાનો નિર્ણય લેવાશે
- ભારતીય ટીમ મંગળવારે રાજકોટથી રાંચી રવાના થશે
- ટીમ મેનેજમેન્ટે વર્કલોડને ધ્યાનમાં રાખીને બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે
ભારતના અનુભવી પેસ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામે શુક્રવારથી રાંચી ખાતે રમાનારી ચોથી ટેસ્ટમાં આરામ અપાય તેવી સંભાવના છે. વર્તમાન શ્રોણીમાં બુમરાહે 13.64ની સરેરાશથી સર્વાધિક 17 વિકેટ હાંસલ કરી છે અને તે ત્રણ ટેસ્ટ મેચમાં 80.5 ઓવર નાખી ચૂક્યો છે. બીજી તરફ મિડલ ઓર્ડર બેટ્સમેન લોકેશ રાહુલ ચોથી ટેસ્ટ માટે ટીમમાં પાછો ફરે તેવી સંભાવના છે. ભારતીય ટીમ મંગળવારે રાજકોટથી રાંચી રવાના થશે અને બુમરાહ ટીમ સાથે પ્રવાસ ખેડે તેવી ઘણી ઓછી સંભાવના છે. ટીમ મેનેજમેન્ટે વર્કલોડને ધ્યાનમાં રાખીને બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. પાંચમી ટેસ્ટમાં બુમરાહના રમવા અંગેનો નિર્ણય ચોથી ટેસ્ટના પરિણામ બાદ લેવામાં આવશે.
ટીમ મેનેજમેન્ટ પેસ બોલર તરીકે કોઈ રિઝર્વ ખેલાડીને પસંદ કરશે કે નહીં તેનો હજુ નિર્ણય લેવાયો નથી. ત્રીજી ટેસ્ટ માટે રણજી ટ્રોફીમાં રમવા માટે રિલીઝ કરાયેલો પેસ બોલર મુકેશ કુમાર રાંચી ખાતે ફરીથી ટીમ સાથે જોડાઈ જાય તેવી સંભાવના છે. બીજી તરફ બોર્ડને એક અધિકારીએ માહિતી આપી હતી કે લોકેશ રાહુલ સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરવાની નજીક છે અને તે ટીમમાં સામેલ થાય તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે રાહુલ ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુ ખેંચાઈ જવા) ઈજામાંથી લગભગ મુક્ત થઈ ચૂક્યો છે. ગયા સપ્તાહે તે લગભગ 90 ટકા ફિટ થઈ ગયો હતો.


