- ફેમિલી કોર્ટે ભરણપોષણ પેટે 20 હજાર આપવાનો આદેશ કર્યો હતો
- હાઈકોર્ટે રકમ ઘટાડીને 10 હજાર રૂપિયા પ્રતિ માસ કરી હતી
- મુસ્લિમ મહિલાએ અરજી કરીને પતિ પાસેથી ભરણપોષણ ભથ્થાની માગણી કરી હતી
છૂટાછેડાવાળી મુસ્લિમ મહિલા દંડ પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 125 હેઠળ પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવાની હકદાર છે કે નહીં? આવા કેસમાં CrPC લાગુ થશે કે પર્સનલ લો હેઠળ કેસનો ઉકેલ લવાશે? સુપ્રીમ કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી કર્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હકીકતમાં, છૂટાછેડાવાળી પત્નીને વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપવાના કોર્ટના નિર્દેશને પડકારતાં એક મુસ્લિમ વ્યક્તિએ સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો. પ્રથમ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ આ કાયદાકીય પ્રશ્ને વિચાર કરવા સંમત થઈ હતી. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની બેચે ફેમિલી કોર્ટના આદેશને પડકારતા કેસની સુનાવણી કરી હતી. જેમાં એક મુસ્લિમ મહિલાએ CrPCની કલમ 125 હેઠળ અરજી કરીને પતિ પાસેથી ભરણપોષણ ભથ્થાની માગણી કરી હતી. અગાઉ ફેમિલી કોર્ટે આદેશ આપ્યો હતો કે પતિ દર માસે 20 હજાર રૂપિયા વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપે.
હાઈકોર્ટે નિર્દેશ રદ ન કર્યો
જોકે, હાઈકોર્ટે વચગાળાના ભરણપોષણના નિર્દેશને રદ ન કર્યો. તેમાંનાં તથ્યો અને કાયદાના ઘણા સવાલોને ધ્યાનમાં રાખીને અરજીની તારીખથી ચૂકવવાની થતી રકમને 20 હજારથી ઘટાડીને 10 હજાર પ્રતિ માસ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટમાં દલીલ :
અરજદાર પતિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે છૂટાછેડાવાળી મુસ્લિમ મહિલા દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવાની હકદાર નથી. તેણે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 1986ની જોગવાઈઓ હેઠળ આગળ વધવું પડશે. જ્યાં સુધી ભરણપોષણમાં રાહતની વાત છે તો 1986નો કાયદો મુસ્લિમ મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે.


