- મહેસાણાની ક્રેડિટ સોસાયટીમાંથી ધિરાણ લીધું હતું
- ચેકની રકમ રૂ.1.44 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો
- વળતરની રકમ ન જમા કરાવે તો વધુ 3 માસની સજા
મહેસાણા સ્થિત સર્વ મંગલ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસા.માંથી લીધેલી રૂ.2.50 લાખની લોન પેટે આપેલો ચેક પરત કરવાના કેસમાં મહેસાણા અદાલતના ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી દીશી રાકેશ ગુપ્તાએ આરોપીને દોષિત ઠરાવ્યાં હતાં. દોષિત ઠરેલાં ધીણોજનાં વાસણના વેપારીનાં પત્નીને અદાલતે એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ચેકની રકમ રૂ.1,44,347ની રકમ 30 દિવસમાં સર્વમંગલ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો. વળતરની રકમ ન જમા કરાવે તો વધુ 3 માસની સજા ભોગવવાની રહેશે.
કેસની વિગત અનુસાર ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે મેઈન બજારમાં વાસણની દુકાન ધરાવતા મેહુલભાઈ શાહની પત્ની દીપલબેન શાહે મહેસાણાની સર્વ મંગલ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી રૂ.ર.પ લાખનું ધિરાણ મેળવ્યું હતું.
લોન પેટે બાકી નીકળતી રૂ.1,44,347ની રકમનો ક્રેડિટ સોસાયટીને આપેલો ચેક પરત ફર્યો હતો. આથી ક્રેડિટ સોસાયટીએ મહેસાણા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. સુનાવણી બાદ અદાલતે આરોપી મહિલાને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ક્રેડિટ સોસાયટીને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો.


