- અરજદારે અરજીમાં લગાવ્યા હતા ચૂંટણીમાં ગડબડ થયાના આરોપ
- અરજીમાં નવી સરકારની રચના રોકવા માટે સ્ટે ઓર્ડરની પણ માંગ
- સુપ્રીમ કોર્ટે અરજદાર નિવૃત્ત બ્રિગેડિયરને જ ફટકાર્યો 5 લાખનો દંડ
પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી, પરંતુ હજુ સુધી એક પણ પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળી શકયું. ત્યારબાદથી જ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનાવવા માટે પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. જોકે, નવાઝ શરીફ અને જરદારીની પાર્ટી ગઠબંધન બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ દરમિયાન, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ધાંધલીના આરોપોને લઈને 8 ફેબ્રુઆરીની ચૂંટણી રદ્દ કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. બુધવારે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજીને લઈને કહ્યું છે કે આ માત્ર અને માત્ર એક પ્રચાર સ્ટંટ છે.
નવી સરકારની રચના રોકવા સ્ટે ઓર્ડરની માંગ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ પ્રકારની અરજી કરવા બદલ અરજદાર પર જ દંડ ફટકાર્યો હતો. નિવૃત્ત બ્રિગેડિયર અલી ખાને ગયા અઠવાડિયે ન્યાયતંત્ર પર સીધી દેખરેખ રાખવા અને 30 દિવસની અંદર નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ આપવા વિનંતી કરી હતી જેથી ન્યાયીતા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થાય. દાખલ કરાયેલી અરજીમાં આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી નવી સરકારની રચના રોકવા માટે સ્ટે ઓર્ડરની પણ માંગ કરવામાં આવી હતી.
કોર્ટે અરજદારને જ ફટકાર્યો 5 લાખનો દંડ
પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ (CJP) કાઝી ફૈઝ ઈસાની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ખંડપીઠે અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અગાઉ, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અલી એક ભૂતપૂર્વ બ્રિગેડિયર હતા જેની પર 2012 માં કોર્ટ માર્શલ દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસે અરજદાર દ્વારા કોર્ટને મોકલવામાં આવેલ ઈ-મેલ વાંચી સંભળાવ્યો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે વિદેશમાં છે અને તેની અરજી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. અરજદારે જણાવ્યું હતું કે તે બહેરીનમાં હોવાથી કોર્ટમાં હાજર રહ્યો ન હતો.


