- સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના લોકોને મળશે રાહત
- રૂ.417 કરોડની યોજનાને મુખ્યમંત્રીએ વહીવટી મંજૂરી આપી
- ધ્રાંગધ્રા-વઢવાણ-મુળી તાલુકાના ગામોનેનર્મદાજળથી ભરાશે
હાલમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં જળ સુવિધા પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.
આ ત્રણ તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો. મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીશ્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.


