- સરકારે પાંચમા દબક્કાની ચર્ચા માટે ખેડૂત નેતાઓને આપ્યું આમંત્રણ
- દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલ ખેડૂતોએ હાલ પૂરતો માંડી વળી કૂચ
- પોલીસના ટીયર ગેસ સેલ ફાયરિંગમાં ખેડૂત નેતાની તબિયત બગડી
કેન્દ્ર સરકાર સાથે ફરી એકવાર ચર્ચા માટેનું આમંત્રણ મળ્યા બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું માંડી વાળ્યું પરંતુ સાંજ સુધીમાં શંભુ અને ખનૌરી બોર્ડર પર તંગદિલી વધી ગઈ હતી. દિલ્હી કૂચની તૈયારી કરતી વખતે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ ખેડૂતોને પાંચમા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ, એડીજીપી (ઇન્ટેલિજન્સ) જસકરણ સિંહ બ્રાર અને નરેન્દ્ર ભાર્ગવે તેમને કેન્દ્રીય નેતાઓ સાથે વાત કરવા માટે મળવાનું શરૂ કર્યું.
શંભુ બોર્ડર પર બનાવવામાં આવેલ પોલીસ બીટમાં જ લાંબી ચર્ચા થઈ, પરંતુ આ દરમિયાન ખેડૂતોને માહિતી મળી કે હરિયાણા પોલીસે ખનૌરીમાં ખેડૂતો પર ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો પ્રયોગ કર્યો અને એક ખેડૂતનું ઈજાને કારણે મૃત્યુ થયું. ત્યારબાદ, ખેડૂતોએ તરત જ કેન્દ્ર સાથે ચર્ચા બંધ કરી દીધી હતી.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી આમંત્રણ મળ્યું હતું પરંતુ મીટિંગ દરમિયાન જ તેમને જાણ થઈ હતી કે તેમના એક મિત્રનું ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. હવે અમે એ જોઈશું કે મૃત્યુ કયા સંજોગોમાં થયું છે. ત્યારબાદ જ નક્કી થશે કે આગળ ચર્ચા થશે કે નહીં.
ખેડૂત નેતા સુરજીત ફૂલે કહ્યું કે તેમને સરકાર તરફથી ચર્ચા કરવા માટેનું આમંત્રણ મળ્યું છે. શું સરકાર ખરેખર ચર્ચા કરવા ખાતર વાત કરવા માંગે છે કે સમય બગાડવા માટે ચર્ચા કરવા માંગે છે. અમે તેમને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહે તેમના ટ્વિટર પર નિવેદન જારી કરવું જોઈએ કે અમે તમામ પાકો પર MSP કાયદો બનાવવા સહિતની તમામ માગણીઓ સ્વીકારવા તૈયાર છીએ.
ખેડૂત નેતાઓ દલ્લેવાલ અને પંઢેરની બગડી તબિયત
સાંજે, ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર અને દલ્લેવાલે યુવાનો સાથે સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. આ દરમિયાન હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાનું શરૂ કર્યું. ચારેય બાજુ ધુમાડો ફેલાઈ ગયો. ધુમાડાને કારણે ખેડૂત નેતાઓ દલ્લેવાલ અને પંઢેરની તબિયત લથડી હતી.
ચર્ચા ચાલુ રહેવી જોઈએ: કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે ચર્ચા ચાલુ રહેવી જોઈએ. ઘણી વાતો પર સહમતી સધાય છે તો કેટલાંક પર સહમતી નથી સધાતી, પરંતુ ચર્ચા ચાલુ રહેવી જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચોથા રાઉન્ડની ચર્ચા બાદ પ્રતિક્રિયા આવી છે. અમે બેઠકના પાંચમા રાઉન્ડ માટે તૈયાર છીએ. આ બેઠકમાં MSPની માંગ, પાક વૈવિધ્યકરણ, પરાળી, ખેડૂતો પર FIRને લઈને ચર્ચા કરો. કેન્દ્રીય મંત્રીએ ખેડૂત સંગઠનોને કહ્યું કે આપણે બધાએ સાથે મળીને આનો ઉકેલ શોધવો જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને ગંભીર છે.
ખેડૂતોમાં નથી એકતા
બીજી તરફ, ખેડૂતો પણ સરકાર સાથે વાતચીતના મુદ્દે એકમત નથી. કેટલાક ખેડૂત આગેવાનો મંત્રણા માટે તૈયાર છે પરંતુ કેટલાકનું માનવું છે કે સરકાર સાથેની મંત્રણામાં હજુ સુધી કોઈ મુદ્દો ઉકેલાયો નથી. ખેડૂતોનું આ જૂથ માને છે કે યુવાનો ખૂબ જ ઉશ્કેરાયેલા છે. જો આગળની પ્રગતિની સ્થિતિ વારંવાર અટકાવવામાં આવશે તો તેઓ હંગામો મચાવશે પરંતુ કેટલાક ખેડૂત આગેવાનો માને છે કે વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.


