- બંદૂક કબજે કરી નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધાયો
- બંદુકડી રાખવી એ એક સ્ટેટસ સીમ્બોલ સમાન બની ગયુ છે
- ગેરકાયદેસર હથિયારોની માત્રા પણ જિલ્લામાં વધુ છે
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમને નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર સાથે એક શખ્સ પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી ઢોકળવા-ભાલાળાના માર્ગેથી ઢોકળવાના શખ્સને રૂપિયા 2 હજારની કિંમતની ગેરકાયદેસર બંદુક સાથે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગરમાં બંદુકડી રાખવી એ એક સ્ટેટસ સીમ્બોલ સમાન બની ગયુ છે. તેના લીધે જ જિલ્લામાં હથિયારના પરવાનાની વિપુલ પ્રમાણમાં અરજીઓ કલેકટર કચેરીમાં આવે છે. બીજી તરફ ગેરકાયદેસર હથિયારોની માત્રા પણ જિલ્લામાં વધુ છે. જેના લીધે અવારનવાર ખાનગી ફાયરીંગના બનાવો પણ બને છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ આવા ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી પાડવા કડક આદેશો કર્યા છે. આ દરમિયાન એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદાની સુચના અને માર્ગદર્શનથી સ્ટાફના મનસુખભાઈ, કુલદીપભાઈ, કરશનભાઈ સહિતનાઓ નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ઢોકળવાના એક શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ઢોકળવા-ભાલાળના રસ્તે વોચ રાખી હતી. જેમાં ઢોકળવાનો 38 વર્ષીય ભનાભાઈ નાથાભાઈ ઝાંપડીયા ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો હતો. આથી રૂપિયા 2 હજારની કિંમતની ગેરકાયેસર બંદુક કબજે કરી ભનાભાઈ સામે નાની મોલડી પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે.


