- આપણી માતૃભાષા ગુજરાત હાંસિયામાં ન મુકાય તેનું ચિંતન આપણે કરવું પડશે
- આપણાં હસ્તાક્ષર પણ પર (અન્ય) ભાષામાં કરતા થઈ ગયા છીએ
- માતૃભાષાને વંદન કરવા નવી પેઢીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિરમગામ ડીસીએમ કોલેજ, શ્રી એલ. સી. કન્યા વિદ્યાલય તથા શેઠ એમ. જે. હાઇસ્કૂલ સયુંકત ઉપક્રમે બુધવારે કોલેજના સાંસ્કૃતિક હોલમાં કવિ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે કવિ જીજ્ઞાબેન મહેતા, ચંદ્રેશ મકવાણા, પલકકુમાર જયસ્વાલ, ચિંતન મહેતા સહિતના ઉપસ્થિત રહીને પોતાની આગવી શૈલીમાં કાવ્ય રચનાઓ, વ્યંગોની છોળોથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરીને દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય નિતિનભાઈ પેથાની અને પ્રોફેસર અશ્વિનભાઈ આણદાનીએ આપણી માતૃભાષા ગુજરાતી હાંસિયામાં ન મુકાય તેનું ચિંતન આપણે કરવું પડશે તેમ જણાવી પાછલા કેટલાક સમયથી પર ભાષાનુ ચલણ આપણાંમાં વધ્યુ છે. આપણે આપણાં હસ્તાક્ષર પણ પર (અન્ય) ભાષામાં કરતા થઈ ગયા છીએ. તેની જગ્યાએ આપણે હસ્તાક્ષર આપણી માતૃભાષામાં કરીએ તો પણ આપણી માતૃભાષાનું જતન થશે જણાવી નવી પેઢીને શીખ આપી હતી. તેમણે ગુજરાતી કવિની ભાષામાં એક વ્યંગ કહ્યો હતો કે દેશ ગયા પરદેશમાં, શીખી લાવ્યા વાણી, વોટર બોટર કહેતા જીવ ગયો, પલંગ હેઠે પાણી. એટલે કે યુવાન પરદેશમાં અભ્યાસ કરી આવ્યાને ત્યાંની ભાષા શીખી અહીંયા બોલે. યુવાન માંદગીથી પલંગ પર હતો અને ઘરમાં તેની માતા પાણીનો લોટો ભરી પલંગ હેઠે મુકી બહાર કામથી ગયા હતા. તરસ લાગતા યુવાન વોટર વોટર કરે પણ તે સમયે ઘરમાં હયાત દાદીમાંને વોટર શબ્દમાં ખબર ન પડે અને તરસને મારી યુવાનનો જીવ ગયો સમજાવતા અંતમા માતા, માતૃભૂમિ, માતૃ સંસ્થા કે જ્યાં અભ્યાસ કરો છો તેવી જ રીતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષાને વંદન કરવા નવી પેઢીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે કોલેજ કેળવણી મંડળના મંત્રી બિધેન શાહ, કોલેજ પ્રોફેસર ગણ અને બંને શાળાના શિક્ષકો સાથે આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


