- વિરોધ કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડર પર ઉભા છે
- દરમિયાન હરિયાણા સરકાર આંદોલનને લઈને હાઈકોર્ટમાં પહોંચી છે
- કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે 5 માં રાઉન્ડની બેઠકમાં અમે ખેડૂતો સાથે વાત કરવા તૈયાર
આજે ખેડૂતોએ હરિયાણા-પંજાબને જોડતી શંભુ બોર્ડરથી ફરી દિલ્હી કૂચ શરૂ કરી છે. પોલીસે ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરી છે. હરિયાણા સરકાર પણ આંદોલનને લઈને હાઈકોર્ટમાં પહોંચી છે. શંભુ અને ખનૌરી બોર્ડર પર ટ્રેક્ટર અને ટ્રોલી ભેગા ન કરવા વિનંતી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે. આ કાયદો અને વ્યવસ્થા માટે મોટો ખતરો છે.જોકે, હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.ગઈકાલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. કોર્ટે ખેડૂતોને કહ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ મુજબ તમે હાઇવે પર આ રીતે ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરી શકતા નથી. આમ છતાં ખેડૂતો મક્કમ છે. અહીં સરકાર ફરીથી ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, 5મા રાઉન્ડની બેઠકમાં અમે ખેડૂતો સાથે વાત કરવા અને MSP,સ્ટબલ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. શાંતિ જાળવવા માટે સંવાદ મહત્વપૂર્ણ છે.
શંભુ, ખનૌરી બોર્ડર પર કેવી છે વ્યવસ્થા
શંભુ બોર્ડર પર હાલ સ્થિતિ વણસી ગઈ છે, તેથી અહીં એક હજાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સાથે જ અર્ધલશ્કરી દળની 25 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.સુરક્ષાની દૃષ્ટિએ ખનૌરી બોર્ડર પર પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક હજાર પોલીસકર્મીઓની સાથે 15 થી 20 અર્ધલશ્કરી દળના જવાનો ફરજ પર તૈનાત છે. બંને સરહદો પર સુરક્ષાના સાત સ્તર બનાવવામાં આવ્યા છે. દિવાલો પર કાંટાળા તારથી કોંક્રીટ બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. પોલીસે સોનીપત કુંડલી સિંધુ બોર્ડર પર પણ સુરક્ષા વધારી દીધી છે. કુંડલી સિંધુ બોર્ડર પર પ્રથમ બેરિકેડને 3 ફૂટ કોંક્રીટની દિવાલ બનાવીને મજબૂત કરવામાં આવી છે. હિલચાલને કારણે પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોએ પણ તંબુઓ ગોઠવી દીધા છે.
હરિયાણામાં 10થી 12 હજાર પોલીસ તૈનાત
હરિયાણામાં 10 થી 12 હજાર પોલીસકર્મીઓ રસ્તાઓ પર હાજર છે. પેરા મિલિટરીની 60 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. પંજાબના ડીજીપીએ તમામ રેન્જના એડીજી, આઈજીપી અને ડીઆઈજીને પત્ર લખીને પોકલેન, જેસીબી, ટીપર અને હાઈડ્રા જેવા ભારે વાહનોને કોઈપણ સંજોગોમાં પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર તરફ આગળ વધવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે. શાહબાદ, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, સોનીપતમાં સામાન્ય બેરિકેડિંગ કરીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે.


