- સને 2024-25ના બજેટને કોંગ્રેસે નિરાશાજનક કહ્યું
- જૂની બજેટ બૂકમાંથી સૂચનો કોપી-પેસ્ટ કરાયા : સભામાં પુરાવા રજૂ કર્યા
- સરકારી મિલકતોનો કરોડોનો મિલકતવેરો બાકી
વર્ષ 2024-25ના બજેટને સ્થાયી સમિતી ચેરમેને વિકાસલક્ષી, પ્રજાલક્ષી, સર્વસમાવેશક ગણાવ્યું હતું. જેમાં પ્રજાના તમામ સૂચનોને સમાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે કોંગ્રેસન અંકિત બારોટે બજેટમાં કશું નવું નથી, જૂની બજેટ બૂકમાંથી સૂચનોને કોપી-પેસ્ટ કરી એ જ જૂની ફીડલ વગાડવામાં આવી હોવાનો આરોપ સભાગૃહમાં કર્યો હતો.
કોર્પોરેશનમાં સ્પષ્ટ બહુમતી હોવાછતાં શાસક પક્ષે દિશા વિહીન અને નિરાશાજનક બજેટ રજુ કર્યું હોવાનું કોંગ્રેસના અંકિત બારોટે કહ્યું હતું. બજેટમાં ગાંધીનગરની પ્રજાના હિતના એકપણ પ્રકારના કામોની જોગવાઈ કરાઈ ન હોવાનું તથા પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા પછી તેને બજેટમાં નહી સમાવીને પ્રજા સાથે દ્રોહ કર્યો હોવાનો પણ આરોપ કર્યો હતો. આ સ્થાયી સમિતી દ્વારા બે વર્ષ પહેલા બજેટમાં જે સુચનો અને કામો સૂચવ્યા હતા તે પૂરા નહી કરી શકાતા નવા બજેટમાં તે કામોને ફરી સૂચવી લોકોની આંખોમાં ધૂળ નાંખવાનું કામ કર્યું છે. મહાપાલિકાને ડીઝીટીલાઈઝેશનની કરવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. કારણ બે વર્ષ પહેલાના બજેટમાં પણ આજ પીપુડી વગાડવામાં આવી હતી. કોંગી સભ્ય બારોટ આજે સામાન્ય સભામાં આ સ્થાયી સમિતી દ્વારા અગાઉ તૈયાર કરાયેલી બંને વર્ષની બજેટ બુક પુરાવારૂપે સભામાં રજુ કરી શાસક પક્ષનો આયનો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને સઘન બનાવવા બે વર્ષ પહેલા પણ બજેટમાં જોગવાઈ કરાઈ હતી. આ કાર્યક્રમો કર્યા પછી પણ ગાંધીનગરનો ક્રમ સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પાછો ઠેલાઈ રહ્યો હોવાની ટકોર કરી હતી. એટલું જ નહિ પ્રજાના પૈસાનો દુરપયોગ થઈ રહ્યો હોવાની પણ ટીકા કરી હતી. પદાધિકારીઓ પોતાની ભૌતિક સુવિધા પાછળ પૈસા વાપરી પ્રજાના ટેક્ષના પૈસાનો વ્યય કરતા હોવાનો પણ રોષ ઠાલવ્યો હતો. મિશન મીલીયન ટ્રીની આ બોડીએ સત્તા સંભાળ્યા બાદ પહેલા જ બજેટમાં મોટી ડંફાસ મારી હતી. પરંતુ કોર્પોરેશન આજદિન સુધી મિશન મિલીયન ટ્રી પ્લાન્ટેશનનો કોઈ કાર્યક્રમ ડંકે કી ચોટ પર ઉજવી શકી નથી. બારોટે આ અંગે ટકોર કરતાં કહ્યું હતું કે, સત્તાધીશનો કદાચ એ પણ નથી ખબર કે તેમણે કેટલા વૃક્ષો ઉગાડયા અને કેટલા કાપ્યા. માત્ર સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવા માત્રથી વૃક્ષો ઉછેરી નથી શકતા તેવું જણાવ્યું હતું.
સરકારી મિલકતોનો કરોડોનો મિલકતવેરો બાકી
નાના વેપારી-ઉદ્યોગકારો, મકાનમાલિકો પાસેથી બાકી ટેક્ષના નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. પરંતુ બીજી બાજુ સરકારી મિલકતો, સચિવાલય સહિતનો કરોડોનો મિલકતવેરો વર્ષોથી બાકી બોલે છે. આ બાકી વસુલાત માટે કોઈ કાર્યવાહી નથી કરાતી.
ખાસ બિલ્ડરોને મદદ કરવા ગાંડા બાવળ દૂર કરવાની જોગવાઈ
મહાપાલિકાના નવા અને જુના વિસ્તારમાંથી ગાંડા બાવળ દુર કરવા માટે બજેટમાં કરેલી જોગવાઈ મુદ્દે અંકિત બારોટે શાસક પક્ષને આડે હાથ લઈ લીધા હતા. તેમણે કહ્યું કે, ખાસ બિલ્ડરો અને જમીન માલિકોને મદદ કરવા માટે થઈને કોર્પોરેશના ખર્ચે ગાંડા બાવળ દૂર કરવાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ કોઈ પ્રજાલક્ષી કે શહેરના વિકાસની નહિ પણ મળતિયાઓના લાભની વાત હોવાનું કહ્યું હતું. તેમણ ગાંડા બાવળની જમીન ઉપરથી નહિ કોર્પોરેશનમાંથી દૂર કરો તેવી પણ ટકોર કરી હતી.
રાજકીય દબાણમાં ડમ્પીંગ સાઈટ નથી બનતી
ગાંધીનગર કોર્પોરેશન પાસે આજદિન સુધી કાયદેસરની ડમ્પીંગ સાઈટ નથી. દર વર્ષે બજેટમાં સાયન્ટીફીક ડમ્પીંગ સાઈટ બનાવવા માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ જ્યારે જયારે જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે વિરોધ કરાય છે. રાજકીય દબાણમાં નવી ડમ્પીંગ સાઈટ નથી બનતી અને એક બીજાને ખો આપવામાં ગાંધીનગરના નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવે છે તેવો ગંભીર આરોપ કોંગ્રેસના અંકિત દ્વારા કરવામાં આવ્યો હતો.


