- કેજરીવાલે દિલ્હીવાસીઓનો વિશ્વાસ ગુમાવી દીધો: મીનાક્ષી લેખી
- દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો પર ભાજપની જીત પાક્કી: સચદેવા
- આ વખતે પીએમ મોદીની તરફેણમાં લહેર નહિ વાવાઝોડું છે: બિધુરી
ભાજપે શનિવારે કોંગ્રેસ AAP ગઠબંધનની આકરી ટીકા કરતાં ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે રાજ્યોમાં ગઠબંધન મહત્વનું હોય પછી તે ભલે ગુજરાત, હરિયાણા, ચંડીગઢ હોય કે ગોવા હોય કે રાજધાની દિલ્હી હોય, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા.
મીનાક્ષી લેખીએ ભૂતકાળમાં કોંગ્રેસ પર AAP નેતાઓ દ્વારા લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના અનેક આરોપોને ટાંકીને કહ્યું કે, આ ભ્રષ્ટ ગઠબંધન તે લોકો વિરુદ્ધ કામ નહિ કરે જે લોકોની સેવા કરવા માટે જાણીતા છે. તો બીજી બાજુ, સચદેવાએ કહ્યું કે આ પગલું દર્શાવે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓની સાથેનો પોતાનો સંબંધ ગુમાવી દીધો છે.
તો, મીનાક્ષી લેખીએ કહ્યું કે કેજરીવાલે 2004-14 દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારના મોટાભાગના પ્રધાનોને ન માત્ર ભ્રષ્ટ કહ્યા, પરંતુ તેમણે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત ન ધરાવતા બંને પક્ષોએ એકબીજાને ટેકો આપવાનું નક્કી કર્યું છે, પરંતુ તે ચાલશે નહીં.
દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો ભાજપ જીતશેઃ સચદેવા
કોંગ્રેસ-AAP ગઠબંધન પર ટિપ્પણી કરતા સચદેવાએ કહ્યું કે ભાજપ ફરીથી દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર જીત મેળવશે. તેમણે દાવો કર્યો કે દિલ્હી વિધાનસભામાં 62 ધારાસભ્યો ધરાવતી AAP એ ગઠબંધનની આડમાં પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોંગ્રેસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેની પાસે એક પણ ધારાસભ્ય નથી.
ભાજપ પર નહીં થાય કોઈ અસર: રામવીર સિંહ બિધુરી
તો, કોંગ્રેસ-આપ ગઠબંધન પર ભાજપના ધારાસભ્ય રામવીર સિંહ બિધુરીએ કહ્યું, ‘આ ગઠબંધનની ભાજપ પર કોઈ અસર થવાની નથી. 2019માં ભાજપને કોંગ્રેસ અને AAP કરતા વધુ વોટ મળ્યા હતા. 2019માં મોદી લહેર હતી, પરંતુ આ વખતે પીએમ મોદીની તરફેણમાં લહેર નહિ વાવાઝોડું છે. લોકોએ નરેન્દ્ર મોદીને 400થી વધુ સીટો સાથે ત્રીજી વખત પીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ભાજપને 70 ટકાથી વધુ વોટ મળશે.


