- ભારતીય નૌકાદળના યુદ્ધજહાજે કર્યો બચાવ
- જહાજ એમવી આઇલેન્ડરના ખલાસીને બચાવી લીધા
- ઘાયલ ખલાસીને આપી તબીબી સારવાર
એડનની ખાડીમાં વેપારી જહાજ પર થતા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. સમુદ્રી લૂંટારા આ જહાજોને નિશાન બનાવતા રહે છે. સમુદ્રમાં જહાજ પર વધી રહેલા હુમલા વિશ્વભરના દેશોની ચિંતા વધારી રહ્યા છે. ભારતીય નૌકાદળ દ્વારા વીતેલા કેટલાક સમય દરમિયાન એડનની ખાડીમાં વેપારી જહાજોને સમુદ્રી લૂંટારાથી બચાવ્યા છે. પરંતુ વેપારી જહાજ પર થતા હુમલાનો સિલસિલો અટકતો નથી. ફરી એકવાર એડનની ખાડીમાં એક શંકાસ્પદ ડ્રોને વેપારી જહાજ પર હુમલો કર્યો છે. ભારતીય યુદ્ધ જહાજે આ વખતે પણ મદદ કરી છે.
ભારતીય સૈન્ય અધિકારીઓએ શનિવારે કેસની જાણકારી આપતાં કહ્યું કે પલાઉનો ધ્વજ ધરાવતા જહાજ એમવી આઇલેન્ડર પર ગુરુવારે હુમલો થયો હતો. જહાજના ચાલકદળનો એક સભ્ય તેમાં ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે આ સંજોગોમાં ભારતીય નૌકાદળની ટીમ વેપારી જહાજ પર ચઢી ગઈ હતી અને ત્યાં હાજર ખલાસીઓને બચાવી લીધા હતા. હૂતી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા વધતાં વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે.


