કણસાગરા કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય કાર્યક્રમ યોજાયો
કેસ સ્ટડી, ઇન્ટર્નશિપ સહિતની પ્રવૃત્તિની માહિતી અપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
કણસાગરા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિભાગીય પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિભાગની શૈક્ષણિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ વિષયલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે બજેટ વિશ્લેષણ, વિશ્વ વસ્તી દિવસની ઉજવણી, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ સમુદ્ર ઘાસ દિવસ, ઇન્ટર્નશિપ, કેસ સ્ટડી, સેમિનાર, પ્રોજેક્ટ વર્ક તેમજ અન્ય શૈક્ષણિક અને વ્યવહારુ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વિદ્યાર્થીઓને મળતી વિવિધ તકો અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર સેજલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પુષ્પાબેન સોલંકીએ વિદ્યાર્થીઓને વિભાગની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અને પોતાના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન રેણુકા ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.


