- 22 વર્ષથી ફરાર આતંકી હનીફ શેખની ધરપકડ
- ઓળખ બદલીને શિક્ષક તરીકે કરતો હતો કામ
- દિલ્હીની એક કોર્ટે વર્ષ 2002માં ભાગેડુ કર્યો હતો જાહેર
દિલ્હી પોલીસે આખરે 22 વર્ષથી ફરાર પ્રતિબંધિત સંગઠન સિમીના સભ્ય હનીફ શેખની ધરપકડ કરી છે. તેના પર વર્ષ 2001માં દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો. હનીફ શેખ સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હનીફ શેખ ઈસ્લામિક મૂવમેન્ટ મેગેઝીનની ઉર્દૂ આવૃત્તિનો સંપાદક હતો. તેણે છેલ્લા 25 વર્ષમાં ઘણા મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવ્યા છે.
સિમી સંગઠનનો ખતરનાક આતંકવાદી
હનીફ સુધી પહોંચવુ ઘણુ મુશ્કેલ હતું કારણ કે ઈસ્લામિક મૂવમેન્ટ મેગેઝિનમાં તેનું નામ હનીફ હુડાઇ પ્રકાશિત થયુ હતુ તે એક માત્ર જ પુરાવો હતો તેને શોધવા માટેનો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડેપ્યુટી કમિશનર અંકિત સિંહના જણાવ્યા અનુસાર તે સિમી સંગઠનનો ખતરનાક આતંકવાદી છે અને મહારાષ્ટ્રના ભુસાવલમાં રહેતો હતો. તેની સામે મહારાષ્ટ્રમાં UAPA અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ હેઠળ કેસ નોંધાયેલા છે.
2002માં કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો
આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મહારાષ્ટ્રના ભુસાવલથી પ્રતિબંધિત સંગઠન સિમીના સભ્ય હનીફ શેખની 22 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. તે 2001માં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા UAPA અને રાજદ્રોહના કેસમાં આરોપી હતો અને છેલ્લા 22 વર્ષથી ફરાર હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે તેને વર્ષ 2002માં ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો. ટીમ છેલ્લા 4 વર્ષથી હનીફને ફોલો કરી રહી હતી.
ઓળખ બદલીને રહેતો હતો હનીફ
પોલીસના જણાવ્યા અનુસાર હનીફ શેખ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને કેરળમાં સિમી સંગઠનની મીટિંગમાં ભાગ લેતો હતો. દિલ્હીની એક કોર્ટે તેને 2002માં ભાગેડુ જાહેર કર્યો હતો. ઘણા વર્ષોથી તેને શોધી રહેલી પોલીસને માહિતી મળી હતી કે હનીફ શેખે તેની ઓળખ બદલી નાખી છે અને હવે તે મોહમ્મદ હનીફ તરીકે રહે છે. પોલીસે જણાવ્યું કે હનીફ ભુસાવલની એક ઉર્દૂ માધ્યમની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો. આ માહિતી બાદ પોલીસે 22 ફેબ્રુઆરીએ તેને પકડવાનો પ્લાન બનાવ્યો અને તેને ભુસાવલથી ઝડપી પાડ્યો હતો.


